વિનાશક વાવાઝોડું બિપોરજોય કચ્છના જખૌ પોર્ટ અને માંડવી વચ્ચેથી પસાર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે તો વિનાશ વેરી શકે છે. જેને લઇને વાવાઝોડાની હિલચાલ પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. આજે 13 જૂનના રોજ સવારે 11.30 વાગ્યા સુધીમાં 10થી 12 કિ.મી.ની ઝડપે બિપોરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. તે દેવભૂમિ દ્વારકાથી 310 કિ.મી. અને જખૌથી 310 કિ.મી. દૂર છે. વાવાઝોડાની અસર દરિયામાં દેખાઈ રહી છે. દરિયાકાંઠે મહાકાય મોજા ઉછળી રહ્યાં છે.
વાવાઝોડાની ઝડપ 10થી 12 કિ.મી. પ્રતિ કલાક
બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ 10થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું, ત્યારે તેના પવનની ગતિ જે અગાઉ 100, 110ની આંકવામાં આવી રહી હતી તે હવે પણ 125 થી 130ની થાય તેવું અનુમાન છે. જોકે હાલ આ વાવાઝોડા અંગે નક્કર અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે કારણ કે વાવાઝોડાની ચાલ સતત બદલાઈ રહી છે. બે દિવસ પહેલા સુધી એવું હતું કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ભટકાયા પછી નબળું પડીને ત્યાં જ પુરુ થઈ જાય છે પરંતુ હવે આ વાવાઝોડું રાજસ્થાનને પણ ક્રોસ કરશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે.
વાવાઝોડાના જોખમને ટાળી શકાય નહીં
જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું ભલે હાલ થોડું નબળું પડ્યાના અહેવાલો મળી રહ્યા હોય પરંતુ તેના જોખમને ટાળી શકાય તેમ નથી. હવામાન વિભાગ દ્વારા જ આ મામલે ફોડ પાડવામાં આવી રહી છે પરંતુ હાલ આપણે એક બાબત પર નજર કરીએ કે ઓખા ખાતે જ્યાં 1998માં મહાવિનાશક વાવાઝોડા વખતે પણ અહીં જોખમને જોતા 9 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જ્યાં હવે નં. 10નું સિગ્નલ દર્શાવાયું છે જેના પરથી તેની ભયાનકતાનો હાલ અંદાજ લગાવી શકાય છે.
અમદાવાદમાં વરસાદની આશંકા
શહેરમાં બિપરજોયની અસર સ્પષ્ટપણે જોવા મળી શકે છે. આજે મંગળવારે ઠેર ઠેર સૂસવાટા મારતો પવન ફૂંકાઈ શકે છે અને આની સાથે જ મોડી સાંજથી રાત સુધીમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારથી જ શહેરમાં હ્યુમીડિટી વધારે હોવાનું જણાવ્યું છે. આની સાથે બફારો વધારે હશે એમ પણ સૂચવ્યું છે. આગામી 4થી 5 દિવસ તાપમાનમાં ફેરફાર નોંધાઈ શકે એવા સંકેતો મળી રહ્યા છે.