ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરના પગલે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે રાજ્યની અનેક શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ગ્રામ્ય વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શૈક્ષણિક કાર્ય આવતીકાલ એટલે કે (16/6/2023)ના રોજ બંધ રાખવાનો પરિપત્ર જાહેર કર્યો હતો.
આ જિલ્લામાં શાળાઓ રહેશે બંધ
બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે જૂનાગઢ, વડોદરા, ગીર સોમનાથ, પાટણ, જામનગર, અમદાવાદ, બનાસકાંઠા, રાજકોટ, મોરબી, નવસારી, ગાંધીનગર, ખેડા અને આણંદમાં આવતી કાલે (16/6/2023)ના શુક્રવારના રોજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.