એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવે તેના જુના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલો જીરાનો ભાવ રૂપિયા 8 હજાર કરતા વધુ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચતા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ખેડૂતો પણ જીરુનું વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જીરાના ભાવમાં 20 કિલોએ રૂપિયા બે હજારની તેજી જોવા મળી છે.
માવઠાના કારણે જીરામાં તેજી
રાજ્યમાં અવારનાવર થયેલા માવઠાના કારણે જીરુ તેમજ અન્ય ખેત ઉત્પાદનોના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ થતાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેના કારણે જીરાની અછત સર્જાતા ભાવમાં વધારો થયો છે. કમોસમી વરસાદના કારણે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે જીરાનું ઓછુ ઉત્પાદન થયુ છે. જેથી ગુણવત્તાવાળા જીરાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારો તેમજ અન્ય રાજ્યના ખેડૂતો અને વેપારીઓ પણ જીરુ તેમજ અન્ય ખેત ઉત્પાદનોના વેચાણ કરવા માટે ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ જીરુ, વરિયાળી, ઈસબગુલ વગેરેમાં ભાવનો વધારો થવાની શક્યતા છે.