સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી ગયા છે. લોકો છેલ્લી ઘડીની ખરીદીમાં માનવા લાગ્યા છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ ગઈ કાલ રાત્રે જોવા મળ્યું હતું. પતંગો લેવા લોકોએ પડાપડી કરી હતી. અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં પતંગ લેવા ભારે ભીડ ઉમટી પડી હતી.
ધામધૂમથી થાય છે ઉત્તરાયણ પર્વની ઉજવણી
આજે લોકો ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળી રહી છે. પતંગ લેવા લોકો એકાએક જાગ્યા હોય તેવા દ્રશ્યો ગઈ કાલ રાત્રે સર્જાયા હતા. મોટી સંખ્યામાં લોકો પતંગ લેવા બજારોમાં ઉમટી પડ્યા હતા. એક સમય એવો હતો કે જ્યારે અઠવાડિયા પહેલેથી જ લોકો પતંગ ઘરે લાવી પતંગમાં કિનીયા બાંધતા હતા. પરંતુ હવે ઈન્સ્ટન્ટનો જમાનો છે.
પતંગ લેવા જોવા મળી લોકોની પડાપડી
ઉત્તરાયણની એક રાત્ર પૂર્વે અમદાવાદના પતંગ બજારમાં માનવમહેરામણ ઉમટી પડ્યું હતું. પતંગ અને દોરીની ખરીદી કરવા અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. રાયપુર, અરવિંદ મીલ, ભુલાભાઈ પાર્ક સહિતના પતંગબજારોમાં લોકો પતંગ લેવા આવી પહોચ્યા હતા. એટલી બધી ભીડ થઈ હતી કે પગ મૂકવાની જગ્યા પણ ન હતી.