રાજ્યમાં સતત થઈ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની ભોગવવી પડી છે. રાજ્ય સરકારે આ નુકસાનીના સર્વે માટે ખાસ ટીમની રચના કરી હતી. હવે જ્યારે આ આ સર્વેનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યું છે અને કહ્યું કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ. રાજ્ય સરકાર આવી આફતો સમયે ઉદાર હાથે સહાય કરે છે જેમાં છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને નુક્સાનીમાં 10 હજાર કરોડથી વધુ સહાય કરી છે.
13 જિલ્લાના 60 તાલુકામાં નુકસાન
કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે માવઠાથી થયેલા નુકસાનની સહાય અંગે વાત કરી હતી. જેમાં બેથી ત્રણ દિવસમાં સહાય અંગે જાહેરાત થઇ જશે તેમ જણાવ્યુ હતું. તેમણે કહ્યું મુખ્યપ્રધાન કક્ષાએથી આ સહાયની જાહેરાત થશે. સર્વેની કામગીરી માટેની પ્રક્રિયા ખુબ લાંબી હોવાના કારણથી સહાયમાં થોડો વિલંબ થઇ રહ્યો છે. એટલું જ નહિં તેમણે એ વાત પણ સ્વીકારી કે, 13 જિલ્લાના 60 તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. જો કે, જે પણ ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું હશે એમને જ આ સહાયનો લાભ મળશે. તેવી વાત પણ રાઘવજી પટેલે કરી છે. આ ઉપરાંત હાલ પડી રહેલા માવઠાથી ખેડૂતોને કોઇપણ પ્રકારનું નુકસાન ન થયું હોવાની વાત પણ કૃષિ પ્રધાને કરી છે.