ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગરમાંથી ચુંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા પણ હવે પત્નીને ચૂંટણી જીતાડવા માટે મેદાનમાં ઉતર્યા છે. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગરના લોકોને ભાવભીની અપીલ કરી હતી.


રીવાબા જાડેજાએ ફોર્મ ભર્યું
જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે તેમના સમર્થકો અને ભાજપના સ્થાનિક ધારાસભ્યો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. રીવાબાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ ફરી એક વખત પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.

રીવાભા જાડેજાના સમર્થનમાં આ લોકો જોડાયા
રીવાબા જાડેજા શુભ મુહૂર્ત વેળાએ ફોર્મ ભરવા નિકળ્યા ત્યારે તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તેમના સમર્થનમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી ફળદુ, રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના આગ્રાણી શ્રી.જીતુભાઈ લાલ, શહેર ભાજપના ત્રણેય મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, અને મેરામણ ભાઈ ભાટુ, ઉપરાંત શહેર ભાજપના ૭૮- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ નિલેશભાઈ ઉદાણી, તેમજ ૭૯- વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઈન્ચાર્જ મનીષભાઈ કટારીયા વગેરે જોડાયા હતા. જેઓની ઉપસ્થિતિમાં બન્ને ઉમેદવારો રિવાબા જાડેજા તેમજ દિવ્યેશભાઈ અકબરી એ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે.
ગઈ કાલે રવિન્દ્ર જાડેજાએ લોકોને કરી હતી અપીલ
રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે.