હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે ફરી એક વખત લગ્ન કર્યા છે. ઉદયપુર ખાતે આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે હિંદુ વિધી અનુસાર સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાશે પરંતુ હાર્દિક અને નતાશાએ કિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેમનો બે વર્ષનો બાળક પણ ઉપસ્થિત હતો. ત્યારે આજે હિંદુ રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવાના છે.
ઉદયપુર ખાતે કરાયું લગ્નનું આયોજન
14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. આ દિવસે અનેક લોકો પોતાના પ્રેમનો ઈઝહાર કરતા હોય છે. ત્યારે વેલેન્ટાઈન ડેના દિવસે ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા નતાશા સાથે ફરી એક વખત લગ્નના બંધનમાં બંધાયા છે. વર્ષ 2020માં હાર્દિકે નતાશા સાથે કોર્ટ મેરેજ કરી સાદાઈથી મેરેજ કર્યા હતા. જે બાદ વેલેન્ટાઈન ડેના દિવસે ધામધૂમથી મેરેજનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
સોશિયલ મીડિયા પર તેમના લગ્નના અનેક ફોટો શેર કરવામાં આવ્યા છે જેમાં હાર્દિક પંડ્યાએ કાળા રંગનો ટેક્સૂડો પહેર્યો છે જ્યારે નતાશાએ સફેદ ગાઉન પહેર્યું છે. તસવીરો શેર કરતા હાર્દિક પંડ્યાએ લખ્યું કે અમે 3 વર્ષ પહેલા લીધેલી પ્રતિજ્ઞાને ફરી દોહરાવી પ્રેમના આ દ્વિપ પર વેલેન્ટાઈન ડે ઉજવ્યો. અમે અમારા પ્રેમની ઉજવણી દરમિયાન અમારા પરિવાર અને મિત્રોને જોઈ ધન્યતા અનુભવીએ છીએ.
માતા પિતાના લગ્નમાં પુત્રએ લીધો ભાગ
2019માં આવેલી કોરોના મહામારીને કારણે હાર્દિક પંડ્યા અને નતાશાએ સાદાઈથી લગ્ન કર્યા હતા. 31 માર્ચ 2020ના રોજ હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લગ્નના બંધનમાં બંધાયા હતા પરંતુ ગઈ કાલે ઉદયપુર ખાતે ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરવામાં આવી હતી. ખાસ વાત એ હતી કે માતા પિતાના લગ્નમાં તેમનો બે વર્ષનો દિકરો પણ સામેલ હતો. 14 તારીખે ક્રિશ્ચિયન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા જ્યારે 15 તારીખે હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કરવાના છે.