કુદરત આપણાથી રૂઠી હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન થઈ રહ્યું છે તો અમુક જગ્યાઓ પર પહાડો તૂટી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ઉત્તરાખંડના ચમોલીમાં જે વિનાશ સર્જાયો હતો તે સૌને યાદ હશે. ચમોલીમાં આવેલા જોશીમઠના ઘરોમાં ગયા વર્ષે ભૂસ્ખલનના કારણે પડેલી તિરાડો, ત્યાં રહેતા સ્થાનિકોનું સ્થળાંતરણ કરવાની ઘટનાઓ સૌ કોઇને યાદ છે. ત્યારબાદ ઋતુ બદલાઇ અને તિરાડો પડતી બંધ થઇ પરંતુ હાલમાં દેશભરમાં જ્યારે વરસાદ અને ગરમીની મિશ્ર ઋતુ ચાલી રહી છે. જોશીમઠ ફરી એક વખત પ્રભાવિત થઈ રહ્યું છે.
ઘરોમાં પડેલી તિરાડો વધી રહી છે!
ભૂસ્ખલન થવાને કારણે જોશીમઠની પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ હતી. ફરી એક વખત ભૂસ્ખલનની અસર જોશીમઠના ગાંધીનગર વિસ્તારમાં દેખાઈ રહી છે. જે ઘરોમાં પહેલા તિરાડો પડી હતી તે હવે વધુ વિસ્તરી રહી છે તો બીજી બાજુ બીજા ઘરોમાં પણ તિરાડો પડવાનું શરૂ થયું છે. જેને કારણે આ ઘરમાં રહેતા લોકો ચિંતામાં મુકાયા છે. ત્યાંના સ્થાનિક તંત્રને જાણ કરી છે. અને અધિકારીઓ પણ આ ઘરોનો સરવે કરી આગળની કામગીરી કરશે. જો વધુ જોખમ જણાય તો આ પરિવારોને પણ અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરાશે.
નૈનીતાલના ઘરોમાં પણ પડી રહી છે તિરાડ!
જોશીમઠની સાથે સાથે હવે નૈનીતાલના કેટલાક ઘરોમાં પણ તિરાડો પડી રહી છે. તેના કેટલાક ટુરિસ્ટ સ્પોટ જેમ કે ટિફિન ટોપ, વ્યૂ પોઇન્ટ પર ભૂસ્ખલનનું જોખમ હોવાથી તેને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે.. જેને કારણે ત્યાંના સ્થાનિક વેપારીઓના રોજગાર પર અસર પડી છે. અત્યારે દેશમાં રજાઓનો માહોલ છે દેશના ખૂણે ખૂણેથી લોકો ઉત્તરાખંડમાં ફરવા આવતા હોય છે. હાલ ચારધામ યાત્રા પણ ચાલી રહી છે. ધાર્મિક સ્થાનોની યાત્રા અને હરવાફરવા માટે આ સ્થળોની મુલાકાત લેતા સમયે આપણે કોઇ કુદરતી આફતોના ભોગ ન બનીએ તેનું ધ્યાન રાખવું જોઈએ.