ગુજરાતમાં લોકસભાના ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ ખુલ્લીને બહાર આવી રહ્યો છે... અનેક બેઠકો પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીએ ઘોષિત કરેલા ઉમેદવારનો કાર્યકર્તાઓ વિરોધ કરશે તેવું કદાચ ભારતીય જનતા પાર્ટીએ પણ નહીં વિચાર્યું હોય..! ઈતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને જાહેર કર્યા બાદ બદલ્યા હોય. આ બધા વચ્ચે આજે ભાજપનો સ્થાપના દિવસ છે. આ દિવસ નિમિત્તે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને પત્ર લખ્યો છે.
સી.આર.પાટીલે કાર્યકર્તાઓને લખ્યો પત્ર!
ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે... પીએમ મોદી સહિતના નેતાઓએ આ અંગે ટ્વિટ કરી છે, સંદેશો પાઠવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે ભાજપના કાર્યકર્તાઓને સંબોધી એક પત્ર લખ્યો છે.. પત્રમાં લખ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી નથી - પણ વિશ્વનો સૌથી મોટો વિશાળ પરિવાર છે. અને આપણે સૌ આ પરિવારના સભ્યો છીએ એનું આપણને સૌને ગૌરવ છે... આજે હું એ સૌ મહાન વિભૂતિઓને વંદન કરૂં છું જેમણે આ પાર્ટીના સર્જન અને વિસ્તરણ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે.
કાર્યકર્તાઓને આપ્યો સંદેશ!
કાર્યકર્તાઓની વાત પણ તેમણે આ પત્રમાં લખ્યું છે. તેમણે લખ્યું કે કાર્યકર્તાશ્રીઓ, જનસેવા-રાષ્ટ્રસેવા એ આપણી પાર્ટીનાં- આપણાં પરિવારના સંસ્કાર છે. રાષ્ટ્ર જ સર્વોપરિના સંસ્કાર આપણને સૌને ગળથૂંથીમાં મળ્યા છે અને મને એ વાતનો આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓશ્રીઓએ આ સંસ્કારોનું હૃદયપૂર્વક જતન કર્યું છે. પોતાના પત્રમાં સી.આર.પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહના નેતૃત્વની વાત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ..! આ સંકલ્પ સાથે આપ સૌ રાત દિવસ રાષ્ટ્રસેવાની ધૂણી ધખાવી શક્ય એટલું સર્વોત્તમ પ્રદાન કરવાનો પ્રયાસ કરો છો એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું.
પીએમ મોદી માટે કહી આ વાત
પત્રમાં તેમણે એવું પણ લખ્યું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વધુને વધુ મજબૂત બનતું જાય છે. દેશના છેવાડાના લોકો સુધી સુવિધા-સુખારી પહોંચાડી શકાઈ છે. વિકાસની ગતિ વધી છે અને એટલે હવે આપણી જવાબદારીઓ પણ પણ વધી છે અને મને વિશ્વાસ છે કે આપ સૌ અથાક પરિશ્રમથી સફળતાપૂર્વક આ જવાબદારીઓનું વહન કરશો..