પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. ઠેર ઠેર પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગર ખાતે સતત ત્રીજા દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજે પણ જામનગરના પ્રવાસે હતા. સી.આર.પાટીલનો જ્યાં કાર્યક્રમ હતો ત્યાં ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવા પહોંચે તે પહેલા પોલીસે તેમને અટકાવી દીધા હતા તેવી માહિતી સામે આવી છે.
ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો
ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. પ્રચાર અભિયાનની શરૂઆત પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. સી.આર.પાટીલ તેમજ પાર્ટીના મોટા નેતાઓ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. અલગ અલગ બેઠકો પર સી.આર.પાટીલ પ્રચાર કરવા પહોંચી રહ્યા છે. પરંતુ અનેક વકત પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે. પ્રચાર માટે નેતાઓ પહોંચે છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચે છે અને વિરોધ કરે છે.
સી.આર.પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો કરનારા હતા વિરોધ
જામનગરમાં અનેક વખત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મહિલાઓ ભાજપના કાર્યક્રમમાં પહોંચે છે અને પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરે છે.. ગઈકાલે ક્ષત્રાણીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આજે સી.આર.પાટીલ જામનગરના પ્રવાસે હતા. સી.આર.પાટીલના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરવાના હતા પરંતુ તે પહેલા જ તેમને અટકાવાઈ દેવાયા તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર જામનગરના ઓશવાળ સેન્ટરમાં ભાજપના બુથ સમિતિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. ક્ષત્રિય સમાજના લોકો આ કાર્યક્રમમાં વિરોધ કરવા માટે જવાના હતા.
કાળા વાવટા બતાવી ક્ષત્રિય સમાજના લોકોએ નોંધાવ્યો વિરોધ
પરંતુ પોલીસે ઓશવાળ સેન્ટરના ગેટ બહાર જ લોકોને અટકાવી દીધા હતા. રાજપુત સમાજના લોકોએ ઓસવાળ સેન્ટરના ગેટ પાસે વિરોધ દર્શાવ્યો હતો. હાથમાં કાળા વાવટા લઈને ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા તેવી માહિતી સામે આવી છે. ગેટની બહાર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મહત્વનું છે કે સતત ત્રણ દિવસથી જામનગરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજના લોકો પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યા છે.