વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ દરરોજ નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર મોડી રાત્રે હુમલો થયો હતો. જે બાદ તેમના સમર્થનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ બધા વચ્ચે સી.આર.પાટીલે અનંત પટેલ પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. પાટીલે કહ્યું છે કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે, જેથી હિંસા ફેલાવી મુદ્દો બનાવી રહી છે.
વાંસદામાં કોંગ્રેસની હારને હુમલા સાથે જોડ્યો
ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. પોતાનો પ્રચાર કરવા રાજકીય પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે. કોંગ્રેસ પણ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા જ્યાં તેમના પર હુમલો થયો હતો.જે બાદ તેમના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. હુમલા પર પ્રતિક્રિયા આપતા સી. આર. પાટીલે કહ્યું કે વાંસદામાં કોંગ્રેસ હારી રહી છે.
ક્યાં સુધી આરોપ-પ્રતિઆરોપની થતી રહેશે રાજનીતિ
સી.આર.પાટીલના આવા નિવેદનથી ફરી એક વખત રાજકારણ ગરમાશે. ફરી એક વખત આરોપ પ્રતિઆરોપો લગાવવામાં આવશે. ત્યારે એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે શું દરેક હુમલાને રાજનીતિની સાથે જોડીને જ જોવામાં આવશે? કોંગ્રેસના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો ભાજપ જવાબદાર અને જો કોઈ ભાજપના ધારાસભ્ય કે નેતા પર હુમલો થાય તો કોંગ્રેસ જવાબદાર? શું આરોપ પ્રતિઆરોપમાં જ રાજનીતિ સીમિત થઈને રહી જશે?