આગામી સમયમાં કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. આ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓ આ વાતને લઈ કોંગ્રસ પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈ સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે.
સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર આપી પ્રતિક્રિયા!
કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે કર્ણાટકમાં નેતાઓ દ્વારા આપેલા નિવેદનની ચર્ચા ગુજરાતમાં પણ થઈ રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખડગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા અપાયેલા નિવેદનને અભદ્ર ગણાવ્યો હતો. સી.આર.પાટીલે કહ્યું કે આ કોંગ્રેસની પરંપરા રહી છે. સત્તા ગુમાન્યા પછી કોંગ્રેસ અને ગાંધી પરિવાર અભદ્ર ભાષા કે અભદ્ર ટીપ્પણી કરવામાંથી ક્યારેય બાજ નહીં આવે. કોંગ્રેસના નેતાઓ વારંવાર અભદ્ર ટિપ્પણી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીએમ સામે અત્યાર સુધીમાં 91 વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શું કહ્યું હતું મલ્લિકાર્જન ખડગેએ?
ગુરુવારે કર્ણાટકના કલબુર્ગીમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે. તમે વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં પરંતુ તમે એને ચાખશો તો તમારૂં મોત થઈ જશે. આ નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ હતી. જે બાદ વિવાદ વધતા ખડગેએ નિવેદનને લઈ સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે તેમની વિચારધારા સાપ જેવી છે, તેને ચાખવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.