2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓ ગુજરાત આવી રેલીઓ ગાજવી રહ્યા છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવાનો અને એક બીજી પાર્ટી પર કટાક્ષ કરવાનો એક પણ મોકો છોડી રહ્યા નથી. આમ આદમી પાર્ટી પણ ઉત્સાહિત થઈ ગુજરાતમાં પ્રચાર કરી રહી છે. દિલ્હી મોડલ અને પંજાબ મોડલનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ પડકાર નથી.
આમ આદમી પાર્ટી તરફથી કોઈ પડકાર નથી - સી.આર.પાટીલ
ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનને આગળ કરી ભાજપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. અમિત શાહ પણ ગુજરાત આવી, ઉચ્ચ અધિકારીઓ સાથે મળી રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ બધા વચ્ચે સી.આર પાટીલે કહ્યું કે ભાજપને આમ આદમી તરફથી કોઈ પણ પ્રકારનો પડકાર નથી. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીને કારણે ભાજપ પ્રેશરમાં આવી ગયું છે. તેમજ ભાજપમાં ડર વ્યાપી ગયો છે.
ભાજપ પાસે છે અનેક બ્રહ્માસ્ત્ર
સી.આર.પાટીલે કહ્યું કે ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માસ્ટર પ્લાનિંગ ભાજપ માટે મદદરૂપ બની રહેશે. ઉપરાંત ઉમેદવારો અંગે નિવેદન આપતા કહ્યું કે તમામ ઉમેદવારોના બાયોડેટા વડાપ્રધાન અને અમિત શાહને સોંપી દેવામાં આવ્યા છે. તે લોકો જે ઉમેદવારોના નામ નક્કી કરશે તેને જ ટિકિટ આપવામાં આવશે.
કોંગ્રેસ માટે પાટીલે આપી પ્રતિક્રિયા
કોંગ્રેસ પર ટિપ્પણી આપતા સી.આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ ફરી બેઠી થવા પ્રયત્ન કરી રહી છે. પરંતુ સ્થાનિક સ્તરે થતી ઘટનાઓને કારણે તે ફરી બેઠુ થવા સક્ષમ નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે અગાઉ કોંગ્રેસ પાસે 35 ટકાથી વધુ આધાર ધરાવતો વોટ શેર હતો, જે હવે નથી રહ્યો.