કોઈ પડી જાય તો આપણે આટલા ખુશ કેમ થઈ જઈએ છીએ!
આપણો સમાજ જેમ-જેમ શિક્ષિત થતો જાય તેમ-તેમ વધુને વધુ સ્વાર્થી અને સ્વકેન્દ્રી બનતો જાય છે. આપણે કોઈની નિષ્ફળતાની મજાક ઉડાવવામાં એક પ્રકારનો વિકૃત આનંદ મેળવીએ છીએ. એક સ્વસ્થ સમાજ માટે આ બાબત શરમજનક કઈ શકાય. રસ્તા પર જતો કોઈ રાહદારી કે વાહન ચાલક પડી જાય તો પણ અન્ય રાહદારીઓ કે વાહનચાલકો તેને ઉભો કરવાને બદલે જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ ખંધુ હસીને ચાલી નિકળે છે. કોઈ મોટા રાજકારણી પણ જો પડી જાય તો મીડિયા પણ આ ઘટનાને ખાસ હાઈ લાઈટ કરતું રહીને તેનો વીડિયો વારંવાર બતાવતું રહે છે. શું કોઈ રાજકારણી માણસ નથી તે સુપરમેન છે?, તે શારિરીક નબળાઈ, થાક કે સરતચૂકથી પડી જાય તો તેમાં શું મોટી બાબત છે, આવી સામાન્ય ઘટનાને આટલું બધુ મહત્વ આપવાની શી જરૂર છે. સમાજમાં આવું બને ત્યારે ગુજરાતી ભાષાના મુર્ધન્ય કવિ ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીની પેલી પ્રખ્યાત કાવ્ય પંક્તીઓ યાદ આવે છે.
'પીંપળ પાન ખરંતા, હસતી કૂંપળીયાં મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડીયાં'
સમાજમાં કોઈ વ્યક્તી નોકરી, ધંધો કે અન્ય કોઈ ક્ષેત્રમાં નિષ્ફળ જાય ત્યારે અન્ય લોકો તો ઠીક તેના નજીકના પરિવારજનો પણ તેનો ઉત્સાહ વધારવાના બદલે મનોમન તેની નાકામીને લઈ આનંદ અનુભવે છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય કે ઓછા ટકા આવે તો પણ તે વિદ્યાર્થીને વિવિધ પ્રકારના મહેણાંટોણાનો સામનો કરવો પડતો હોય છે.
કોઈની મુશ્કેલી,નિષ્ફળતા, પીડાને જોઈ પાશવી આનંદ લેવો એ આપણા સમાજમાં સર્વ સ્વિકાર્ય બાબત બની ગઈ છે. તેમાં જો કોઈ વ્યક્તી સમાજના ઉચ્ચ પદ પર હોય અને તે જો નિષ્ફળ જાય તો લોકોને નિંદા કરવા માટે જાણે ગોળનું ગાડુ મળી ગયું. કોઈ રાજનેતા, ફિલ્મ કલાકાર, બિઝનેશ મેન, ખેલાડી, ઉચ્ચ અધિકારી કે પછી કોઈ પણ ક્ષેત્રની અગ્રણી હસ્તી ભૂલથી પણ નિષ્ફળ જાય તો જાણે આવી જ બન્યું લોકો તેના પર માંછલા ધોવા રીતસર તુટી જ પડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ભૂકંપ સ્મૃતિવનનું ઉદઘાટન કર્યું. આ સમયે હાજર ભાજપના પ્રદેશ સી.આર.પાટીલ અચાનક જ નીચે પડી ગયા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ઉભા કરવામાં મદદ કરી, જો કે વડાપ્રધાન મોદી જાણે કશું જ બન્યું ન હોય તેમ તટસ્થ જોવા મળ્યા હતા.