ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સતત ફેરફારો થતા રહે છે. પાર્ટીના કાર્યકરો તથા યુવા નેતાઓને વહીવટમાં સ્થાન મળી શકે તે માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે હવે નો રિપિટ થીયરીનો અમલ કરવામાં આવશે.
નવા લોકોને તક મળે તે માટે નિર્ણય
ભાજપ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર,જિલ્લા પંચાયત સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન જિલ્લાના અને તાલુકા પંચાયતોના પ્રમુખો સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આ નામોની જાહેરાત કરવામાં આવશે. આ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ પદો માટે નો રિપિટેશન થિયરીનો અમલ કરવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ પાર્ટી દ્વારા આ નિર્ણય કરાયો છે. નો રીપિટની થિયરી મુજબ જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે.
1500 જેટલા પદો માટે હોદ્દેદારોની પ્રક્રિયા શરૂ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી આ બધાની લગભગ 1500 જેટલા સભ્યો જેમણે આ જવાબદારી સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. સંગઠન અને ચૂંટાયેલા લોકોને સંભાળ્યા બાદ નામો નક્કી કર્યા હતા. ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે.