તંત્ર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાન રાખવા એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, તે ઉપરાંત પરિસ્થિતને લઈ રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બિપોરજોયને કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે આ વાવાઝોડાને કારણે ગુજરાતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. ફૂડ પેકેટ સહિતના વસ્તુઓને લઈ કાર્યકરો સજ્જ રહે તેવી અપીલ કરવામાં આવી છે.
આવશ્ક વસ્તુઓ સાથે સજ્જ રહેવા કરાઈ અપીલ!
જેમ જેમ ગુજરાત તરફ બિપોરજોય આગળ વધી રહ્યું છે તેમ તેમ લોકોમાં ચિંતા પણ વધી રહી છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે અનેક નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. ત્યારે ભાજપના કાર્યકર્તાઓને સી.આર.પાટીલે અપીલ કરી છે. અપીલ કરતા તેમણે કહ્યું કે ખાસ પ્રકારના ફૂડ પેકેટ સાથે કાર્યકર્તાઓ સજ્જ રહે. તે સિવાય દરિયાકાંઠાના ગામડાઓમાં ફૂડ પેકેટ, પશુઓ માટે ઘાસચારા અને આવશ્યક સામગ્રી પહોંચાડવાની તૈયારી, વીજકાપના કિસ્સામાં ગામડાઓમાં પાણી પહોંચાડવાનું ભાજપનું આયોજન છે. આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન કાર્યકર્તાઓનો સાથ સહકાર મળે તેવી અપીલ સી.આર.પાટીલે કરી છે.
દરિયાઈ વિસ્તારની લીધી મુલાકાત!
નવસારીની મુલાકાત સી.આર.પાટીલે લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરિયાઈ પટ્ટીની મુલાકાત તેમણે લીધી હતી. વાવાઝોડાને ધ્યાનમાં રાખી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને દરિયા આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થળ મુલાકાત લઈ સી.આર.પાટીલે જાતે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ફૂડ પેકેટ તૈયાર રાખવા અપીલ કરી છે. મહત્વનું છે કે હર્ષ સંઘવી પણ ગઈકાલે દ્વારકા પહોંચ્યા હતા અને 16 જૂન સુધી દ્વારકા સાઈડ ના આવવા અપીલ કરી હતી.