રાજ્યના અનેક લોકો એવા છે જે હજી પણ સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે. પરંતુ અનેક વખત ખરાબ રસ્તા હોવાને કારણે તેમજ ખરાબ બસ હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે લોકોની ફરિયાદ મળતા રાજ્ય સરકારે અનેક સરકારી બસનું લોકાર્પણ કર્યું છે. અનેક વખત ફરિયાદો મળતા રાજ્ય સરકારે 150 જેટલી બસ ગાંધીનગર, 70 બસો પાલનપુર, 150 જામનગર અને નવસારીમાં 125 બસોનું લોકાર્પણ કર્યું હતું. હર્ષ સંઘવી અને સી.આર.પાટીલે બસને લીલી ઝંડી બતાવી હતી.
બસમાં કરી 35 કિલોમીટરની યાત્રા!
નવસારી ખાતે હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અનેક બસોનું લોકાર્પણ કર્યા બાદ નવસારીથી ચીખલી ખાતે સામાન્ય માણસની જેમ સી.આર.પાટીલે બસની મુસાફરી કરી હતી. અંદાજીત 35 કિલોમીટરની આ યાત્રા કરી બંને રાજનેતાઓએ બસનું નિરીક્ષણ કર્યું હતું.
(જૂની તસવીરો)
ખરાબ રસ્તાની સમસ્યા અંગે સરકાર કામ કરે તે જરૂરી!
બંને નેતાઓએ જેવી રીતે બસનું નિરીક્ષણ કર્યું હતું તેવી જ રીતે તેમણે રસ્તાનું નિરીક્ષણ પણ કરવું જોઈએ. અનેક જગ્યાઓ એવી પણ છે જ્યાં રસ્તાઓ જ નથી. પાકા રસ્તાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં તો કાચો રસ્તા બનાવા માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડે છે. થોડા સમય પહેલા જ ડેડિયાપાડાના એક ગામના લોકોએ જાતે જ રસ્તો બનાવી દીધો હતો. ત્યારે સરકારને રસ્તા પર પડેલા ખાડા, ખરાબ રસ્તા દેખાય તેવો વિચાર લોકો કરી રહ્યા છે.