રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એક પછી એક લોક કલ્યાણની જાહેરાતો કરી રહી છે. આપની આ ગેરન્ટી યોજનાઓથી ભાજપની સ્થિતી કફોડી બની છે. આપની જાહેરાતોને ભાજપ ફ્રી રેવડી કહીને મજાક ઉડાવે છે. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના પ્રદેશ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આમ આદમી પાર્ટીની ફ્રી રેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા.
ફ્રી રેવડી મુદ્દે પાટીલે શું કહ્યું?
આમ આદમી પાર્ટીની રેવડી નીતિ અંગે પાટીલે કહ્યું કે, વડાપ્રધાને વેક્સિન પણ ફ્રી, અનાજ પણ ફ્રી આપ્યું, કોઈએ તેને રેવડી ન કીધી. લોકોના જીવન બચાવવા જેની જરૂર હોય તે વસ્તુ તેમને પહોંચાડવી જોઈએ. આ રેવડીવાળા કેવાં કેવાં વચનો આપી જાય છે અને એ વચનો પૂરી કરી શકાશે કે નહીં તેની ચિંતા કરતા નથી. જેને કંઈ આપવું જ નથી એ તો કંઈ પણ કહીં શકે. પાટીલે આપની તમામ મફત લાઈટ, મહિલાઓને હજાર રુપિયા આપવાની, સરપંચને દર મહિને દશ હજાર આપવાની, બેરોજગારોને મહિને ત્રણ હજાર આપવા સહિતની જાહેરાતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ તમામનો સરવાળો કરીએ તો રાજ્યનું બજેટ ખોરવાઈ જાય અને વિકાસ કાર્યો માટે એક રુપિયો પણ ન બચે.
ઈસુદાનનો પાટીલને જવાબ
ફ્રી રેવડી અંગે પાટીલે આમ આદમી પાર્ટીની ટીકા કરતા આપના અગ્રણી નેતા ઈસુદાન ગઢવીએ પણ વળતો પ્રહાર કરતા પાટીલની માનસિક્તાને ગુજરાત વિરોધી ગણાવી હતી. પાટીલ રાજ્યના લોકોની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને ફ્રીમાં વિજળી મળે તો પાટીલના પેટમાં કેમ દુ:ખે છે. પાટીલ પોતે સાંસદ તરીકે મફતમાં વીજળી સહિતના સરકારી લાભ મેળવે જ છે, પહેલા તે તમામ સુવિધા તેમણે બંધ કરવી જોઈએ. ગુજરાતની ભાજપ સરકાર પ્રજાને કાંઈ પણ ફ્રીમાં આપતી ન હોવા છતાં પણ રાજ્ય પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે.