હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરેરાશ હાર્ટ એટેકને કારણે ત્રણથી ચાર લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. એક સમય હતો જ્યારે આપણે માનતા હતા કે હાર્ટ એટેક માત્ર વડીલોને આવે પરંતુ કોરોના બાદ યુવાનોમાં પણ સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારે મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરની શાળાના શિક્ષકોને 3 ડિસેમ્બરના રોજ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે.
અમદાવાદના શિક્ષકોને 3 ડિસેમ્બરે અપાશે CPRની ટ્રેનિંગ!
આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હૃદય હુમલાને કારણે થયું હતું તે બાદ આવા કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવમાં આવશે. હાર્ટ એટેક વખતે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સીપીઆરની મદદ લેવામાં આવતી હોય છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધીકારીના તાબા હેઠળની તમામ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને 3 ડિસેમ્બરના રોજ તાલીમ આપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
જો તાત્કાલિક પ્રાથમિક સારવાર મળે તો બચી શકે છે જીવ!
મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સામાન્ય બની ગયા હોય તેવું લાગે છે. પહેલા લોકોએ પોતાના સ્વજનોને કોરોનાને કારણે ગુમાવ્યા ત્યારે હવે લોકો પોતાના વ્હાલસોયાને હાર્ટ એટેકને કારણે ગુમાવી રહ્યા છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખી સીપીઆરની ટ્રેનિંગ શિક્ષકોને આપવા માટે નો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે જો સમયસર સીપીઆર દર્દીને આપવામાં આવે છે તો તેને જીવનદાન મળી શકે છે.