સુરતના બિઝનેસમેન તુષાર શાહને કસ્ટડીમાં ટોર્ચર આપવા મામલે CP અજય તોમરે PI રાવલને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2024-01-24 15:18:48

સુરતના બિઝનેસમેન તુષાર રજનીકાન્તભાઈ શાહને પોલીસ કસ્ટડીમાં લઈને ટોર્ચર કરવા અને પૈસાની માગણી કરવાના મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે આકરૂ પહલું ભરતા વેસુ પીઆઈ આર.વાય.રાવલને સસપેન્ડ કર્યા છે. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપ્યા બાદ પણ બિઝનેસમેન તુષાર રજનીકાન્તભાઈ શાહને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને આ દરમિયાન  વેસુ પીઆઈ આર.વાય.રાવલ દ્વારા અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ સુપ્રીમે આકરા શબ્દોમાં પોલીસ કાર્યવાહીની ઝાટકણી કાઢી હતી. અંતે સુરત પોલીસ કમિશનર અજય તોમરે ખાતાકીય તપાસ શરૂ કરાવી હતી. 


શું છે સમગ્ર મામલો?


સુરતના ઉદ્યોગપતિ તુષાર રજનીકાન્તભાઈ શાહ સામે છેતરપિંડીના એક કેસમાં ફરિયાદ નોંધાઈ હતી અને કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 8 ડિસેમ્બર, 2023એ સુપ્રીમ કોર્ટે તુષાર શાહને શરતી જામીન આપ્યા હતા. આ જામીન મળ્યા પછી સુરત પોલીસે ઉદ્યોગપતિને કસ્ટડીમાં લઈને ટોર્ચર કર્યા અને પૈસાની માગણી કરી એવો આરોપ થઈ રહ્યો છે. આ માટેની કોર્ટના તિરસ્કારની અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે.  તુષારભાઈ શાહ તરફથી હાજર થયેલા વરિષ્ઠ એડવોકેટ ઈકબાલ સૈયદ અને વકીલ મોહમ્મદ અસલમે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તુષારભાઈને સર્વોચ્ચ અદાલતે આગોતરા જામીન આપ્યાના ચાર દિવસ બાદ જ સુરત પોલીસે નીચલી અદાલત પાસે તેના રિમાન્ડની માગણી કરી હતી અને મેજિસ્ટ્રેટે તેની અરજી મંજૂર કરી હતી. સુપ્રીમમાંથી શરતી જામીન મળ્યાના ચાર દિવસમાં 13 ડિસેમ્બરે તુષાર શાહને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને 4 દિવસ સુધી 16 ડિસેમ્બર સુધી રાખવામાં આવ્યા હતા. તેમણે સુપ્રીમ કોર્ટને વધુમાં જણાવ્યું કે, તેમના અસીલ (તુષાર શાહ)ને કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો અને અને રૂ. 1.6 કરોડની માગણી કરી હતી. ઉદ્યોગપતિના વકીલોએ સુપ્રીમ કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજી બાદ લાલઘૂમ થઈ હતી અને સણસણતા સવાલો ગુજરાત સરકારના અધિકારી અને સુરતના IPS અધિકારીઓને પૂછ્યા હતા.સુપ્રીમ કોર્ટે ગુજરાતના અધિક મુખ્ય સચિવ કમલ દયાની, સુરત પોલીસ કમિશનર એ.કે. તોમર, નાયબ પોલીસ કમિશનર વિજયસિંહ ગુર્જર, ઇન્સ્પેક્ટર આર. વાય. રાવલને નોટિસ પાઠવી હતી. 


સુપ્રીમે કર્યા હતા આકરા સવાલ

 

સુપ્રીમની નોટિસમાં સવાલ કરાયો હતો કે સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે જામીન મંજૂર કરાયા છે તો પછી તપાસ અધિકારી રિમાન્ડ માટે નીચલી અદાલતમાં અરજી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? જસ્ટિસ બીઆર ગવઈ અને સંદીપ મહેતાની સુપ્રીમ બેંચ પોલીસ અધિકારીઓ અને ન્યાયિક મેજિસ્ટ્રેટના વર્તન પર ગુસ્સે થઈ હતી અને કહ્યું હતું કે આ જાણી જોઈને કરવામાં આવ્યું છે, જેના માટે તેમને છોડી શકાય નહીં અને પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવા પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રિમાન્ડ મેળવવા માટે પોલીસ દ્વારા કરાયેલી અરજી પણ કોર્ટનો તિરસ્કાર છે અને નીચલી કોર્ટે આપેલી ચાર દિવસની કસ્ટડી પણ ગેરકાયદે છે. સુપ્રીમે પૂછ્યું કે જામીન હોવા છતાં તેને કસ્ટડીમાં કેવી રીતે લઈ શકાય? આ કોર્ટના આદેશનો ઘોર તિરસ્કાર છે. સુપ્રીમ કોર્ટે જ્યાં તુષાર શાહને રાખવામાં આવ્યા હતા તે પોલીસ સ્ટેશનની કસ્ટડીના CCTV પણ માગ્યા હતા, જો કે આ સીસીટીવી પણ સુરત પોલીસ આપી શકી નહોતી. સુપ્રીમ કોર્ટે અંતે પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટને તિરસ્કારની નોટિસ જારી કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે એ ચાર દિવસ દરમિયાનના જ સીસીટીવી નથી, એનો અર્થ એ કે આ બધું ઈરાદાપૂર્વક જ થયું છે. સુરત ડાયમંડ હબ છે અને દેશનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર છે. આવી સ્થિતિમાં સીસીટીવી કેમ કાર્યરત નથી, એનો જવાબ સુરત પોલીસે આપવો જ પડશે. સુપ્રીમે આકરું વલણ અપનાવીને કહ્યું હતું કે આ કોઈ રીતે ચલાવી નહીં લેવાય. સુરતના પોલીસ અધિકારીઓએ હાજર થવું પડશે અને તેમણે બિસ્તરા-પોટલાં લઈને જ આવવું પડશે, બની શકે કે સીધા જેલમાં જ જવું પડે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...