ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોને 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ પણ સરકાર દ્વારા સહાય ન મળતા ગૌશાળા સંચાલકો રોષે ભરાયા છે. બનાસકાંઠામાં પશુપાલકોએ ગાયોને રસ્તા પર છોડી મૂકી સરકાર પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ પહેલ ન કરવામાં આવતા ઉગ્ર આંદોલનની ચીમકી તેમના દ્વારા ઉઠાવવામાં આવી હતી. ડીસામાં ગૌ-શાળા સંચાલકોની બેઠક યોજાવાની છે જેમાં આ આંદોલનને કઈ રીતના આગળ વધારવું તે નક્કી કરવામાં આવશે.
વડાપ્રધાનને ગૌ-પ્રેમી કરશે રજૂઆત
ગાયના મુદ્દાને લઈ રાજકારણ ચાલી રહ્યુ છે. રાજકીય પાર્ટી આનો લાભ લેવા તત્પર બની છે. ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં અનેક પ્રવાસો કરી પ્રચાર કરવાના છે. ત્યારે આ સમયે ગૌ-પ્રેમીઓ સરકાર વિરૂધ ધરણા પ્રદર્શન કરવાના છે. ઉપરાંત અનેક કાર્યક્રમનોનું આયોજન કરી સરકાર સામે આંદોલન ચાલુ રાખવાના છે. વડાપ્રધાન શક્તિ પીઠ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા જવાના છે. તે દરમિયાન ગૌ સેવકો ચાલો અંબાજી અભિયાન શરૂ કરવાના છે. આ અભિયાનમાં જોડાવા ગૌ-પ્રેમીએ અપીલ કરી છે. અંબાજી ખાતે પહોંચી વડાપ્રધાન મોદી સમક્ષ 5000 જેટલા લોકો પોતાની રજૂઆત કરવાના છે.