ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. આ સમગ્ર મામલો કોર્ટે ચડયો હતો. જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટે માફી ન સ્વીકારતા 7 દિવસમાં 1 લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે.
અગાઉ પણ કોર્ટે કર્યો હતો આદેશ
આ અગાઉ, સિવિલ કોર્ટે કિંજલ દવેને ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ગીતના કોપીરાઈટ વિવાદ મુદ્દે તેને કોઇ પણ રીતે લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં ગાવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તેમ છતાં કિંજલ દવેએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા સહિતના લાઈવ પરફોર્મન્સ કરતા તેમની વિરુદ્ધ કોર્ટના આદેશનો તિરસ્કાર મુદ્દે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. અને 7 દિવસમાં રૂપિયા નહીં ચૂકવાય તો સાત દિવસની સાદી કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે.
કાર્તિક પટેલ છે ગીતના માલિક
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
કાર્તિક પટેલે કરી હતી કોર્ટમાં અરજી
કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી. જોકે કિંજલ દવેએ આ ગીત ભારતની બહાર ગવાયું છે તેમ કરીને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોર્ટે તેના આ બચાવને ફગાવતાં પ્રતિવાદી તરફથી બિનશરતી માફી મંગાઇ હતી. કોર્ટે જણાવ્યું કે, માત્ર માફી માંગવી પૂરતી નથી. પરંતુ જાણી જોઇને કરાયેલા કોર્ટના તિરસ્કારના આ કૃત્ય બદલ શિક્ષા થવી જરૂરી છે. આમ કહીને કિંજલ દવેને રૂ. 1 લાખનો દંડ કોર્ટે ફટકાર્યો તેમજ તેને સાત દિવસમાં ચૂકવી આપવા ફરમાન કર્યું હતું.