ગોપાલગંજ અને મોકામા (બિહાર), મુનુગોડે (તેલંગાણા), ધામનગર (ઓડિશા), ગોકરનાથ (ઉત્તર પ્રદેશ), આદમપુર (હરિયાણા), અંધેરી પૂર્વ (મહારાષ્ટ્ર)ના નામ સામેલ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ
દેશની છ રાજ્યોની સાત બેઠકો પર 3 નવેમ્બર 2022ના રોજ યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આજે એટલે કે 6 નવેમ્બર 2022ના રોજ જાહેર થશે. આ સાત બેઠકો માટેની મતગણતરી સવારે 8 વાગે શરૂ થશે.
જે બેઠકો માટે ચૂંટણી યોજાઇ છે તેમાં હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રની અંધેરી પૂર્વ, બિહારની ગોપાલગંજ અને મોકામા બેઠક, તેલંગાણાની મુનુગોડે, ઉત્તરપ્રદેશની ગોલા ગોકર્ણનાથ અને ઓડિશાની ધામનગર વિધાનસભાની બેઠકો સામેલ છે.
આ છ રાજ્યોની સાત બેઠકો માટેની પેટા ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને પ્રાદેશિક પક્ષો જેમ કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS), રાષ્ટ્રીય જનતા દળ (RJD), સમાજવાદી પાર્ટી (SP), અને બીજુ જનતા દળ (BJD) વચ્ચે કટ્ટર સ્પર્ધા જોવા મળી હતી. જે સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી ભાજપ પાસે ત્રણ અને કોંગ્રેસ પાસે બે જ્યારે શિવસેના અને આરજેડી પાસે એક-એક બેઠક હતી.
ભૂતપૂર્વ વર્તમાન ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવા માટે વિધાનસભામાંથી રાજીનામું આપતા આદમપુરમાં પેટાચૂંટણીની જરૂર પડી હતી. તો મહારાષ્ટ્રમાં સેનાના ધારાસભ્ય રમેશ લટકેના અકાળે અવસાનને કારણે મુંબઇના અંધેરી-ઇસ્ટમાં આ બેઠક ખાલી પડી હતી.
બિહારમાં મોકામા બેઠકમાં વર્તમાન ધારાસભ્ય અનંત સિંહને ફોજદારી કેસમાં દોષિત ઠેરવવાને કારણે બરતરફ કરવામાં આવ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તો બિહારના ગોપાલગંજમાં પણ ભાજપના વર્તમાન ધારાસભ્ય સુભાષ સિંહના અવસાનના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જરૂરી પડી હતી. મુનુગોડમાં 2 ઓગસ્ટના રોજ વર્તમાન ધારાસભ્ય કોમાતિરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીએ રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી યોજવી પડી છે.
લખીમપુર ખેરી જિલ્લાના ગોલા ગોકરનાથ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ ગિરીના અવસાન બાદ ત્યાં પેટાચૂંટણી યોજવાની ફરજ પડી છે. તેવી જ રીતે ધામનગર બેઠક પર ભાજપના વર્તમાન ધારાસભ્ય બિષ્ણુ ચરણ દાસના અવસાનને કારણે આ સીટ ખાલી થઇ ગઇ હતી.