અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બે દિવસીય બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. બજેટના પ્રથમ દિવસે વી.એસ.હોસ્પિટલ, એમ જે લાઈબ્રેરીના બજેટ ઉપર ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન અનેક કોર્પોરેટરો ઊંઘતા દેખાયા હતા. બપોરે 2.30ની આસપાસ બજેટનું બપોરનું સેશન શરૂ થયું હતું. આના વીડિયો સામે આવ્યા છે જે બાદ ખૂબ વાયરલ થઈ રહ્યા છે..
મહિલા કોર્પોરેટરોએ લઈ લીધી ઉંઘની ઝબકી
મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાંધીહોલ ખાતે બજેટ ઉપરની ચર્ચાના બીજા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર બપોરે લંચ બ્રેક બાદ 2.30 વાગ્યાની આસપાસ સેશનમાં વી.એસ.હોસ્પિટલના બજેટ અંગે ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ચર્ચા દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં કોર્પોરેટરો ઊંઘતા દેખાયા હતા. આ ચર્ચા દરમિયાન કોર્પોરેટરે ઝપકી મારી લીધી હતી. અસારવા વોર્ડના કોર્પોરેટર, સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર, નારણપુરા વોર્ડના કોર્પોરેટર સહિત અનેક બીજા કોર્પોરેટર ચર્ચા દરમિયાન નિંદર માણી રહ્યા હતા.
સૂચના બાદ પણ ઊંઘતા દેખાયા કોર્પોરેટરો
ચર્ચા શરૂ થાય તે પહેલા જ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી જેમાં જણાવામાં આવ્યું હતું કે બપોરે લંચ બ્રેક બાદ બજેટ સેશન દરમિયાન કોઈપણ કોર્પોરેટર સુઈ જશે નહીં ઉપરાંત કોઈપણ કોર્પોરેટરોએ પોતાના મોબાઈલ પણ લઈ અને તેમાં વ્યસ્ત ન રહેવાની સૂચના આપવામાં આવી હતી. કોર્પોરેશનની બોર્ડ મીટિંગ પહેલા ભાજપના તમામ કોર્પોરેટરની એજન્ડા મીટિંગ યોજાઈ હતી જેમાં આ અંગે જણાવામાં આવ્યું હતું. પરંતુ ચર્ચા દરમિયાન અનેક કોર્પોરેટર ખાસ કરીને મહિલા કોર્પોરેટરો ઉંઘતી ઝડપાઈ હતી.