ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એક સપ્તાહ પહેલા ઝીરો કોવિડ પોલીસીમાં રાહત આપવામાં આવી છે. જો કે તેના કારણે દેશભરમાં સંક્રમણ ફરીથી વધવાની આશંકા છે. આ અંગે નિષ્ણાતોએ પણ ચેતવણી ઉચ્ચારી છે, તેમનું માનવું છે કે દેશમાં કોરોના સંક્રમણથી 10 લાખ લોકોના મોત થઈ શકે છે.
ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક
હોંગકોંગ યુનિવર્સિટીમાં મેડિસિન વિભાગના પૂર્વ ડીન ગેબ્રિયલ લેઉંગે જણાવ્યું કે ચીનની સરકારે કોઈ પણ પ્રકારની બુસ્ટર વેક્સિન વિના જ કોરોનાના નિયમોમાં રાહત આપી છે, તેના કારણે 10 લાખ લોકોના મોત થઈ શકે છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 સુધી કોરોના નિયમોમાં રાહતથી સંક્રમણ વધી શકે છે, અને તે એટલા બધા હતા હશે કે તમામ રાજ્યોની હોસ્પિટલો માટે સંક્રમિતોને સંભાળવા મુશ્કેલ બની જશે.
કોરોનાના આંકડાની જાહેરાત બંધ
ચીનની સરકારે અનિવાર્ય પીસીઆર ટેસ્ટને બંધ કરી દીધો છે. એટલું જ નહીં ચીનની સરકારે મંગળવારથી કોરોનાના કેસની જાહેરાત બંધ કરી દીધી છે. આંકડા મુજબ બીજિંગ અને બાઓડિંગ અને શિન્ઝિયાઝુઆંગની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ ખુબ વ્યાપક અને ઝડપથી ફેલાઈ રહ્યું છે.