ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. આ કારણે AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. લોકોએ હવે કોરોનાની સારવાર ઘરે જ લેવી પડશે. જો કે કોરોનાના ગંભીર દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર મળે તે માટે એક વોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ કોરોનાને લઈને દુનિયાને મોટી રાહત આપી છે. WHOએ કોવિડ વિશે મોટી જાહેરાત કરી અને કહ્યું કે કોવિડ હવે જાહેર વૈશ્વિક મહામારી રહી નથી.
કોરોના વેક્સિન માટે ક્યા જવાનું?
અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે. મનપા સંચાલિત હોસ્પિટલમાં કોરોના વોર્ડ પણ બંધ કરાયા છે. કોરોના વેક્સિન લેવી હશે તો ખાનગી હોસ્પિટલમાં મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 1 એપ્રિલથી વેકસીનેશનના આંકડા જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યની અનેક હોસ્પિટલમાં વેકસીનેશનની અછત ઊભી થઈ હતી.
કોરોના ટેસ્ટિંગ યથાવત રહેશે
અમદાવાદમાં AMC દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરવામાં આવ્યું છે, પણ કોરોના ટેસ્ટીંગની સુવિધા યથાવત રહેશે. શહેરના અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા ચાલુ રખાશે. તેમજ મ્યુનિ.ની હોસ્પિટલમાં પણ આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોરોનાની હળવી અસર હશે તો દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવશે. કોરોના પૂર્ણ થતાં મનપા સંચાલિત હોસ્પિટલમાં અન્ય સારવાર શરૂ કરવામાં આવી છે.