દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસના દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલ હાથ ધરાશે. તેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારના સ્વાસ્થય કેન્દ્રોનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા હોસ્પિટલમાં હાજર રહેશે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ગાંધીનગરની હોસ્પિટલમાં ઉપસ્થિત રહેવાના છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી હતી સમીક્ષા બેઠક
કોરોના સંક્રમણના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોનો આંકડો વધતા કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ હતી. વધતા કોરોના સંક્રમણને જોતા 7 એપ્રિલના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોના સ્વાસ્થય મંત્રી સાથે બેઠક કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સમીક્ષા બેઠક કરી હતી અને રાજ્યમાં વધતા કોરોના કેસ પર ધ્યાન રાખવા પણ કહ્યું હતું. અનેક રાજ્યોમાં માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે.
ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલની લેશે મુલાકાત
વધતા કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશમાં બે દિવસ માટે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા તથા મોક ડ્રિલનું આયોજન કરવા પણ આગ્રહ કર્યો હતો. 10 અને 11 એપ્રિલના રોજ આ મોક ડ્રિલ યોજાશે. મનસુખ માંડવિયા AIIMS ઝજ્જરની મુલાકાત લેવાના છે. ટેસ્ટિંગ તથા દવા ઉપરાંત જરૂરી સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવા પર ભાર મૂક્યો હતો. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના આંકડામાં વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ મોક ડ્રિલમાં સામેલ થશે અને હોસ્પિટલની મુલાકાત લેશે.