ભારતમાં શનિવારે 126 દિવસ બાદ એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 800થી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 843 કેસ નોંધાયા છે. દેશમાં કોવિડના કેસ પણ ત્યારે જ વધી રહ્યા જ્યારે ઈન્ફ્લુએન્ઝા H3N2 વાયરસ એક્ટિવ છે. વધતા કોરોનાના કેસ પાછળ કોરોના સબ વેરિયન્ટ XBB 1.16 અને XBB 1.15ને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોએ પણ દેશમાં કોરાનાના નવા વેરિયેન્ટના પગલે નવી લહેરની આશંકા વ્યક્ત કરી છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસ વધ્યા
કોરોના વેરિયેન્ટ પર નજર રાખતા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મએ કોરોનાના સબ વેરિયેન્ટ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં જે કેસ નોંધાઈ રહ્યા છે તેમાં કોરોનાના સબ વેરિયેન્ટ XBB 1.16થી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા વધુ છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. આ નવો વેરિયેન્ટ ચિંતાનજક એટલા માટે છે કેમ કે તે લોકોને ઝડપથી સંક્રમિત કરવા સક્ષમ છે.
XBB1.16ના લક્ષણો શું છે?
આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓને માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, ગળામાં દુખાવો, વહેતું નાક અને ઉધરસ આવે છે. તેના લક્ષણો કોરોનાના જૂના લક્ષણો જેવા જ છે. આ સિવાય લોકો પેટમાં દુખાવો અને અસ્વસ્થતા, ઝાડા જેવી ફરિયાદ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને પણ નબળી કરી શકે છે. આ વાયરસ ફેલાવવાની સંભાવના ઘણી વધારે છે.