ગુજરાતમાં ફરી એક વખત કોરોના માથું ઉંચકી રહ્યો છે, તેમાં પણ અમદાવાદમાં કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. રાજ્યમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ તો અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. આ જ કારણે અમદાવાદ AMCએ કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે.
AMCનો ટેસ્ટિંગ વધારવાનો આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા એક દિવસમાં 1500 લોકોના ટેસ્ટિંગ કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં 887 કોરોના એક્ટિવ કેસ છે અને શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપર ટેસ્ટિંગ સુવિધા શરૂ કરવા આદેશ કરાયો છે. શહેરમાં પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી મુખ્યત્વે દર્દીઓ 18 વર્ષથી ઉપરનાં છે. પશ્ચિમઝોન, નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાએ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
રાજ્યમાં ફરી કેસ વધ્યા
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા હતા. જ્યારે 149 દર્દીઓ સાજા થયાં હતા. જો કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે.
ગુજરાતમાં 6 દર્દીના મોત
ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં જ કોરોનાના કારણે 6 વ્યક્તિના મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11053 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 1849 એક્ટિવ કેસ છે. 8 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 1841 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.99 ટકા થઈ ગયો છે.