સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જનતા માટે લાવવામાં આવતા બાંકડા કોર્પોરેટરના ધાબે જોવા મળતા વિવાદ સર્જાયો છે. સુરત શહેરના કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા વિવાદમાં આવ્યા છે. પાલિકાના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ ભાજપમાં જતા રહેલા કાપોદ્રાના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ પોતાના ઘરની અગાસી પર પોતાના નામના જ બાંકડા મુક્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે.
ઘરની અગાસી પર બાંકડો દેખાતા છેડાયો વિવાદ!
સુરતનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બતાવી દાવો કરાઈ રહ્યો છે કે કાપોદ્રાના કોર્પોરેટરે પોતાના ઘરની અગાસી પર બાંકડો મૂક્યો છે જે સામાન્ય લોકો માટે લાવવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટી પાલિકામાં ચૂંટાઈ આવી હતી ત્યારે કોર્પોરેટરોએ નક્કી કર્યું હતું કે ગ્રાન્ટના રુપિયા બાંકડામાં નહીં વાપરવામાં આવે પરંતુ તે વાત ખોટી સાબિત થઈ હતી. આપમાંથી ભાજપમાં ગયેલા વોર્ડ નં ચારના કોર્પોરેટરના ઘરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાંકડા તેમના ઘરના ધાબા પર જોવા મળી રહ્યા છે.
આ મામલે કોર્પોરેટરે આપ્યો જવાબ!
જ્યારે આ મામલે તેમને પૂછવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બાંકડા સોસાયટીના નામે મૂકવામાં આવ્યા હતા. પરંતુ સોસાયટીમાં પ્રસંગ હોવાને કારણે બાંકડાને ધાબા પર મૂકવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ બાંકડા ધાબા પર મૂકાયા હતા. વીડિયો બનાવી તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.