ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમને ઠંડી સેન્ડવિચ પીરસવામાં આવી.
પ્રેક્ટિસ બાદ અપાયેલી ઠંડી સેન્ડવિચ ભારતીય ટીમે ના ખાધી.
વિરેન્દ્ર સેહવાગે ઓસ્ટ્રેલિયાની હોસ્પિટાલિટી પર ટોણો માર્યો.
ભારતીય ટીમ સાથે જે વર્તણૂક થઈ છે તેના કારણે વિરેન્દ્ર સેહવાગ ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. પોતાની વાત કોઈ શરમ-સંકોચ વગર કહી દેનારા સેહવાગે ભારતીય ટીમને જે ખાવાનું પીરસવામાં આવ્યું તેના પર ઓસ્ટ્રેલિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને સંભળાવી દીધું છે. ભારતીય ટીમને હોટલથી 42 કિલોમીટર દૂર પ્રેક્ટિસ સેશન આપવામાં આવ્યું છે.
સિડનીમાં ટીમ ઈન્ડિયાને પીરસવામાં આવી ઠંડી સેન્ડવિચ, કાકડી-ટામેટા પર વિવાદ ગરમાતો દેખાઈ રહ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને મુલ્તાનના સુલ્તાન કહેવાતા વિરેન્દ્ર સેહવાગે ટ્વિટ કરીને ઓસ્ટ્રેલિયા પર વાર કર્યો છે. સેહવાગે 4 લાઈનમાં જ ઓસ્ટ્રેલિયાના ચારે ખાના ચિત કરી નાખ્યા છે. સેહવાગે કરેલા ટ્વિટને લોકોનું સમર્થન મળી રહ્યું છે. લોકો હોસ્પિટાલિટી પર ઓસ્ટ્રેલિયા અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને ખરુ-ખોટું સંભળાવી રહ્યા છે.
સેહવાગે પોતાના ટ્વિટમાં યુરોપિયન દેશો પર હુમલો કરીને લખ્યું છે. સેહવાગ કહે છે કે, "એ દિવસો પૂર્ણ થઈ ગયા કે જેના વિશે કોઈ વિચારતું હતું કે પશ્ચિમના દેશો સારું અતિથ્ય પ્રદાન કરે છે. જ્યારે જ્યારે હોસ્પિટાલિટીની વાત આવે છે તો ભારત મોટાભાગે પશ્ચિમના દેશોથી ઘણું આગળ છે." જેના પર લોકોએ આઈસીસી અને ઓસ્ટ્રેલિયા બન્નેને કોસી રહ્યા છે. આ સંપૂર્ણ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે ભારતીય ક્રિકેટ ટીમને પ્રેક્ટિસ સેશન પછી ખાવામાં ઠંડી સેન્ડવિચ પીરસવામાં આવી હતી.
ભારતીય ટીમ તરફથી પ્રેક્ટિસ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ સહિત મહત્વના પ્લેયર્સ ગયા હતા, તેમને નાસ્તો પરત કરી દીધો હતો. બધાએ પાછા ફરીને હોટલમાં ખાવાનું ખાવાનો નિર્ણય કર્યો હતો. કહેવાય છે કે ભારતીય ટીમને પ્રેક્ટિસ માટે બ્લિકવૂડ આપવામાં આવ્યું છે, જે હોટલથી 42 કિલોમીટર દૂર આવેલું છે. આ કારણે ટીમ ઈન્ડિયાએ એક જ દિવસ પ્રેક્ટિસ કરવાનો નિર્ણય કર્યો છે.
રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમે રવિવારે પાકિસ્તાનને રોમાંચક રીતે 4 વિકેટથી હરાવ્યા બાદ સિડની પહોંચી છે. SCGમાં તેની આગામી મેચ નેધરલેન્ડ સામે રમાવાની છે. આ મેચ પછી ભારતનું સેમિફાઈનલમાં પહોંચવાનું લગભગ પાક્કું થઈ જશે. આ પછી ભારતે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રીકા સામે મેચ રમવાની છે. મહત્વનું છે કે, આ શિડ્યુલ વચ્ચે સેન્ડવિચના કારણે મોટો હોબાળો થઈ શકે છે.