ગુજરાત વિધાનસભા ચૂંટણીની જંગ હવે ખરાખરીની જામી છે. પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેટલા લોકોના નામ જાહેર થયા છે તેઓેએ લડવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે. તેની વચ્ચે ભાજપના દિયોદર વિધાનસભા વિસ્તારના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા નિવેદન આપ્યું હતું.
જ્યાંથી લાવવા હોય ત્યાંથી મતદારો લાવોઃ કેશાજી ચૌહાણ
ભાજપના દિયોદરના ઉમેદવાર કેશાજી ચૌહાણે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, "મતદાર પાકિસ્તાનમાં હોય તો ત્યાંથી મતદાનના દિવસે લાવો પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ. આપણા મતદારો પાસેથી ભીખ માગવી હોય તો ભીખ માગી લેવાની પણ ભાજપનું સો ટકા મતદાન થવું જોઈએ."
ભાજપે જ્યારે સવારે પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી ત્યારે દિયોદરના ઉમેદવાર તરીકે કેશાજી ચૌહાણના નામની જાહેરાત થઈ હતી. પોતાના નામની જાહેરાત થયા બાદ કેશાજી ચૌહાણ અંબાજી પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કર્યા હતા. કેશાજી ચૌહાણે માતાજી પાસે ચૂંટણી લડવાના આશિર્વાદ લીધા હતા.