જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં ફરી એકવાર વિવાદાસ્પદ સૂત્રોનો મામલો સામે આવ્યો છે. JNUની દિવાલો પર વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP), વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીરને લઈને વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની દિવાલો પર 'ભગવા જલેગા, મોદી તેરી કબર ખુદેગી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા હતા. તે જ પ્રકારે, 'ફ્રી કાશ્મીર' અને 'IOK (ભારતના કબજા હેઠળનું કાશ્મીર)' જેવા નારા લખવામાં આવ્યા છે. આ સ્લોગન લાલ અને વાદળી રંગમાં લખેલા છે. ઘણી જગ્યાએ આ સ્લોગન પણ બ્લુ પેઇન્ટથી ફ્લોર પર લખવામાં આવ્યા છે.
કોણે લખ્યા છે આ વિવાદિત સુત્રો?
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની સ્કૂલ ઓફ લેંગ્વેજની દિવાલો પર આ વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે. જો કે, આ કોનું કૃત્ય છે તે અંગે JNU પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જો કે, જેએનયુ પ્રશાસનના ધ્યાન પર લાવવામાં આવ્યા બાદ તેને કાઢી નાખવા અને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન ABVPએ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો પર આ વિવાદાસ્પદ સૂત્રો લખવાનો આરોપ લગાવ્યો હતો.
અગાઉ પણ જાતિ વિશેષ વિરૂધ્ધ લખાયા હતા સુત્રો
ઉલ્લેખનિય છે કે એક વર્ષ પહેલા પણ જેએનયુની સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝની દિવાલો પર વેપારી જાતિ વિરૂધ્ધ 'बनिया भारत छोड़ो, हम आएंगे हम बदला लेंगे' સૂત્રો લખવામાં આવ્યા હતા. તે સમયે પણ જેએનયુ વિવાદોમાં સપડાઈ હતી. એટલું જ નહીં, તે સમયે જેએનયુના કેટલાક શિક્ષકોની નેમ પ્લેટ પણ કાળી કરવામાં આવી હતી અને તેના પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ લખવામાં આવી હતી. આ પછી, યુનિવર્સિટી પ્રશાસને એક તપાસ સમિતિની રચના કરી હતી, પરંતુ તે સમિતિએ તેના તપાસ અહેવાલમાં આ ગુનો કરનારા તત્વોને જાહેર કર્યા નથી.