એક તરફ TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેમજ જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગે માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીની પ્રક્રિયા 26 ઓગસ્ટથી ઓનલાઈન શરૂ થશે અને 4 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 24 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે. આ ભરતી અંગેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.
જ્ઞાન સહાયક યોજના નાબુદ કરાવવા ઉમેદવારોનો વિરોધ
છેલ્લા ઘણા સમયથી TET-TATના ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અનેક વખત આંદોલનો કરવા ગાંધીનગર જવાનો પ્રયત્ન કર્યો, પીએમને પત્ર લખી પોતાની વેદના સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો પરંતુ દરેક વખતે તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. એક તરફ શાળામાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મૂશ્કેલી પડે છે, તો બીજી તરફ ભાવિ શિક્ષકો પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખી વિરોધ કરી રહ્યા છે.
કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત
કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય નક્કી નથી તે વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે આકાર આપી શકે. કરાર પૂર્ણ થયા બાદ તેમની પાસે નોકરી હશે કે નહીં તેની તેમને ખબર નથી તો તે કેવી રીતે બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. આ બધા વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકમાં ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. માધ્યમિક શાળાઓ માટે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતીની જાહેરાત કરી છે.