26મી નવેમ્બર...આ તારીખ સમગ્ર દેશમાં બંધારણ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે એટલે કે 26 નવેમ્બર 1949 ના રોજ, બંધારણ સભાએ ભારતીય બંધારણને અપનાવ્યું હતું. આ પછી, આપણું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ મનાવવામાં આવે છે. આ એવી વાતો છે જે તમે સ્કૂલ અને કોલેજમાં સાંભળી હશે. આપણે બધા એ પણ જાણીએ છીએ કે ડૉ.ભીવરાવ આંબેડકરને બંધારણના નિર્માતા માનવામાં આવે છે. તેઓ બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ હતા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે બંધારણ ઘડવાનો બોજ પણ આંબેડકર પર જ આવ્યો હતો. ડ્રાફ્ટિંગ કમિટીના સભ્ય ટીટી કૃષ્ણમાચારીએ પોતે બંધારણ સભાની સામે આ વાત કહી હતી. આ સમગ્ર હકીકત વાંચ્યા પછી તમને સમજાશે કે ડૉ.આંબેડકરને બંધારણના નિર્માતા કેમ કહેવામાં આવે છે.
આ 7 લોકો હતા ડ્રાફ્ટિંગ કમિટીના સભ્યો
આપણે બધા જાણીએ છીએ કે ડ્રાફ્ટિંગ કમિટીએ મે 1947માં બંધારણ સભા સમક્ષ ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. આ ડ્રાફ્ટમાં 7,500 થી વધુ સુધારા સૂચવવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ 2,500નો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બંધારણ સભાનો મુસદ્દો તૈયાર કરવા માટે 7 સભ્યોની મુસદ્દા સમિતિની રચના કરવામાં આવી હતી. આ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા. સમિતિના સભ્યોમાં કનૈયાલાલ મુનશી, મોહમ્મદ સાદુલ્લાહ, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, ગોપાલ સ્વામી આયંગર, એન. માધવ રાવ અને ટીટી કૃષ્ણમાચારીનો સમાવેશ થાય છે.
બધી જવાબદારી માત્ર આંબેડકર પર આવી
જ્યારે બંધારણનો મુસદ્દો તૈયાર કરવાની વાત આવી ત્યારે 7 સભ્યોમાં માત્ર આંબેડકર જ હાજર હતા. આ ઘટનાનો ઉલ્લેખ બંધારણ સભામાં મુસદ્દા સમિતિના સભ્ય ટી.ટી. કૃષ્ણમાચારીએ કર્યો હતો. ટીટી કૃષ્ણમાચારીએ નવેમ્બર 1948માં બંધારણ સભાને જણાવ્યું હતું કે 'મૃત્યુ, માંદગી તથા અન્ય જવાબદારીઓ'ને કારણે સમિતિના મોટાભાગના સભ્યોએ મુસદ્દા તૈયાર કરવામાં પૂરતું યોગદાન આપ્યું ન હતું. આ કારણે બંધારણ ઘડવાનું ભારણ ડૉ.આંબેડકર પર આવી ગયું હતું.
આંબેડકરે એકલા હાથે ડ્રાફ્ટ તૈયાર કર્યો!
વાસ્તવમાં, બંધારણ સભાની મુસદ્દા સમિતિમાં જે સાત લોકોની નિમણૂક મૂકવામાં આવી હતી, તેમાંથી એક સભ્ય બીમાર પડી ગયા હતા, બે દિલ્હીની બહાર હતા, એક વિદેશમાં હતા, અન્ય એક સભ્યએ તો અધવચ્ચે જ રાજીનામું આપ્યું હતું અને એક સભ્ય તો સમિતિની બેઠકોમાં જોડાયા નહોતા. આ રીતે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી સાત સભ્યોની સમિતિમાં એકલા આંબેડકરના ખભા પર આવી ગઈ હતી. આકાશ સિંહ રાઠોડના પુસ્તક 'આંબેડકર્સ પ્રિએંબલ: અ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઈન્ડિયા'માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડ્રાફ્ટિંગ કમિટીની બેઠકોમાં તમામ સભ્યો હાજર રહ્યા નહોતા. જ્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડિત હોવા છતાં, આંબેડકરે બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં કોઈ કસર છોડી ન હતી. એટલું જ નહીં, આંબેડકરે લગભગ 100 દિવસ સુધી બંધારણ સભામાં ઊભા રહીને બંધારણનો આખો ડ્રાફ્ટ સમજાવ્યો હતો અને દરેક સૂચન પર ધીરજપૂર્વક ચર્ચા કરી હતી.