પરિવાર સાથે કૉન્સ્ટેબલનો આપઘાત, કારણો અંગે તર્કવિતર્ક
અમદાવાદના ગોતામાં એક પોલીસ કોન્સ્ટેબલે તેની પત્ની અને 3 વર્ષની દિકરી સાથે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. ગોતા વિસ્તારના Divaa હાઈટ્સમાં રહેતા પોલીસકર્મીએ મોડી રાત્રે પરિવાર સાથે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાથમીક માહિતીમાં કહેવાઈ રહ્યું છે કે પહેલા પત્નીએ 12માં માળેથી કુદકો માર્યો અને અમુક જ ક્ષણોમાં પોતે બાળક સાથે કુદકો લગાવી દીધો હતો.
પોલીસ કર્મચારી ભાવનગરનો વતની
આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરનારા પોલીસકર્મીનું નામ કુલદીપસિંહ ભરતસિંહ યાદવ છે અને તે ભાવનગર જિલ્લાના શિહોરના વતની છે. તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને એકાઉન્ટ શાખામાં કામ કરતા હતાં. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન સાથે શા માટે આપઘાત કર્યો તેનાં કારણો જાણવા પોલીસે તજવીજ શરૂ કરી છે. કુલદીપસિંહને નજીકથી ઓળખતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું આત્મઘાતી પગલું કેમ ભર્યું એ હજી સુધી સમજાતું નથી. પડોશમાં જ રહેતા તેમનાં બહેનને પણ અંદાજ નહોતો કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની આવું પગલું ભરશે.
'પોલીસનો ગ્રેડ પે વધે એ અંતિમઈચ્છા'
આત્મહત્યા કરનારા પોલીસકર્મીએ તેની સ્યુસાઈડ નોટમાં પણ પોલીસ ગ્રેડ પે વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ દ્વારા થતી હેરાનગતિનો ઉલ્લેખ પણ કર્યો છે. કુલદીપસિંહ યાદવે છેલ્લે લખ્યું હતુ કે આઈપીએસ પૈસા બહુ ખાય છે અને પગાર વધવા નથી દેતા.
સ્યુસાઈડ નોટમાં મિત્રોને યાદ કર્યા, બહેનને પૈસા આપવાનું કહ્યું
આત્મહત્યા પુર્વે લખેલી સ્યુસાઈડ નોટમાં કુલદિપ સિંહે પરિવાર જનો, મિત્રો. સગાસંબંધીઓને અને સહકર્મીઓના નામનો ઉલ્લેખ કરીને તેમને યાદ કર્યા હતા, તેમના મિત્રોને મોજથી જીવવાની અને જિંદગીમાં જલ્સા કરવાની સલાહ આપી હતી. મિત્ર પાસેથી ઉછીના લીધેલા હજાર રૂપિયા પાછા આપવાની પણ જીજાજીને ભલામણ કરી હતી. માતા પિતાને શાંતિથી નિવૃત જીવન જીવવા અને ભગવાનના કામ કરવાની પણ તેમણે સલાહ આપી હતી. એક મિત્રને તો મસાલા નહીં ખાવાની પણ સલાહ આપી હતી.. અંતે જેને ઉછીના પૈસા આપ્યા હતા તે લોકોને પણ પૈસા પોતાના ભાઈને પરત કરવાની વિંનતી કરી હતી અને પૈસા ન આપો તો પણ કાંઈ નહી તેમને પણ જલ્સા કરવાની સલાહ કુલદીપ સિંહ આપતા ગયા.