ગુજરાતમાં પૂર્વ આઈપીએસ અને નિવૃત્ત ડીજીપી કક્ષાના અધિકારીને ખોટી રીતે ફસાવવા તેમજ બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એક બનાવટી એફિડેવિટ વાયરલ થઈ હતી જેને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં ખળખળાટ વ્યાપી ઉઠ્યો હતો. આ સમગ્ર મામલે ગૃહ વિભાગની સૂચના બાદ એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાર્યવાહીના ભાગરૂપે ભાજપના નેતા, બે પત્રકાર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર બનાવટી એફિડેવિટ થઈ વાયરલ
ખોટા બળાત્કારના કેસમાં બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત ડીજીપીને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ કરાઈ હતી. જાતિય શોષણના કેસમાં ખોટી રીતે ફસાવવા અને તેમને બદનામ કરવા એક બનાવટી એફિડેવિટ બનાવામાં આવી હતી. આ એફિડેવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એટીએસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. ખોટી રીતે ફસાવવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ભાજપના નેતા, 2 પત્રકાર સહિત 5 લોકોનો સમાવેશ થાય છે.
પાંચ લોકો સામે કરાઈ કાર્યવાહી
મળતી માહિતી અનુસાર ભાજપના નેતાએ ગાંધીનગરના પત્રકારો સાથે મળીને આખું ષડયંત્ર રચ્યું હતું. મહિલા પર દબાણ કરીને દુષ્કર્મનું સોગંદનામું કરી અધિકારીને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પત્રકારોએ આ માટે 5 લાખ રુપિયા લીધા હતા. જો કે આ મામલામાં 8 કરોડની ખંડણી માગવામાં આવી હતી. જેમના નામ આશુતોષ અને કાર્તિક જાની હોવાનું સામે આવ્યું છે.
દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવી પૈસા પડાવવાની હતી ચાલ
આ સિવાય ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. મહિલા સાથે દુષ્કર્મનું ખોટું સોગંદનામું બનાવીને પૈસા પડાવવાની યોજના બનાવવામાં આવી હતી. એફિડેવિટ વાયરલ કરવા માટે અને ન્યુઝપેપરમાં છપાવવા માટે પૈસા લીધા હતા. જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં જી.કે પ્રજાપતિ, આશુતોષ, કાર્તિક જાની સહિત પાંચ લોકો સામે પગલાં લીધા છે.