વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઉચ્ચ અધિકારી હોવાનો સ્વાંગ રચીને અનેક લોકો સાથે ઠગાઈ આચરનારા મહાઠગ કિરણ પટેલને ફરીજમ્મુ અને કાશ્મીર મોકલાયો છે. કિરણ પટેલ મામલે જમ્મુ પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી છે. કિરણ પટેલ ઉપરાંત આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કિરણ પટેલ સામે જમ્મુ અને અમદાવાદમાં ગુના દાખલ થયા છે. કિરણ પટેલ PMOમાં અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરિટી લેવાના કેસમાં શ્રીનગર પોલીસની કસ્ટડીમાં હતો. કિરણની પત્ની માલિની પણ અમદાવાદની જેલમાં બંધ છે.
શ્રીનગર પોલીસને સોંપાઈ કસ્ટડી
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ પૂર્ણ કર્યા બાદ સોમવારે આ હાઈપ્રોફાઈલ કેસ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. કિરણભાઈ પટેલને સેન્ટ્રલ જેલ શ્રીનગર મોકલવામાં આવશે. ગુજરાત પોલીસે સોમવારે કિરણભાઈ પટેલની કસ્ટડી શ્રીનગર પોલીસને સોંપી છે, જેથી તેની સામે વધુ તપાસ થઈ શકે.
કોણ છે પિયુષ પટેલ?
જમ્મુ અને કાશ્મીર પોલીસે આ કેસમાં પૂછપરછ માટે આકાંક્ષા ક્રિએશનના માલિક પિયુષ કાંતિભાઈ પટેલની અમદાવાદથી ધરપકડ કરી છે.પિયુષભાઈ પટેલની જમ્મુ અને કાશ્મીરની નિશાત પોલીસે ધરપકડ કરી છે. આરોપી પિયુષભાઈ પટેલ ગુજરાતમાં આકાંક્ષા ક્રિએશન પ્રિન્ટીંગ પ્રેસનો માલિક છે. તેની સામે 2023માં FIR નંબર 25ની ફરિયાદ શ્રીનગરના નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે.
કાશ્મીરથી અમદાવાદ પરત લવાયો હતો
કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી કેસ નોંધ્યા બાદ કસ્ટડીમાં લેવા ગુજરાત પોલીસની એક ટીમ મંગળવારે ( 4 એપ્રિલ) કાશ્મીર પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી મહાઠગ કિરણ પટેલની કસ્ટડી લેવામાં આવી હતી. કિરણ પટેલને 36 કલાકનો પ્રવાસ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ લવાયો હતો.મહાઠગ કિરણ પટેલ 18 એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ પર હતો.
કિરણ પટેલ સામે નોંધાઈ હતી FIR
મહાઠગ કિરણ પટેલની સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે 3.51 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી. જે બાદ અમદાવાદમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ 80 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે કિરણ પટેલના જામીન પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં જમીનની ઠગાઈ કેસમાં કિરણ પટેલના વધુ જામીનની માંગ કરી હતી. કોર્ટે કિરણના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.