અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર વટવા વિધાનસભા ક્ષેત્ર અને જમાલપુર ખાડિયા વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ઈમરાન ખેડાવાલા સામે NSUIનો વિરોધ
અમદાવાદના એનએસયુઆઈના કાર્યકર્તાઓએ જમાલપુર ખાડિયા વિસ્તારમાં ઈમરાન ખેડાવાલાને કોંગ્રેસે રીપીટ કરતા વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓની માગણી છે કે ઈમરાન ખેડાવાલા ભલે સ્થાનિક હોય પણ તેમના સિવાય અન્ય વ્યક્તિને મોકો આપવામાં આવે. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપવા બદલ એનએસયુઆઈએ પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે ભરતસિંહ સોલંકીએ પાંચ કરોડમાં ટિકિટ વેંચી છે. પ્રદેશ કાર્યાલય પર પહોંચી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના નામના નારા લગાવ્યા હતા અને કોંગ્રેસ કાર્યાલયના ગેટ પર સ્પ્રે છાંટીને લખાણો કર્યા હતા. કાર્યકર્તાઓની માગણી હતી કે જમાલપુર ખાડિયા પર ઈમરાન ખેડાવાલાની જગ્યાએ અન્ય કોઈ નેતાને ઉમેદવાર બનાવવામાં આવે.
વટવાના સ્થાનિકોનો વિરોધ
વટવા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. વટવા બેઠક પર બળવંતસિંહ ગઢવીની જગ્યાએ સ્થાનિક વ્યક્તિને ટિકિટ અપાય તેવી માગ સાથે વટવાના સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો. વટવા વિધાનસભા વિસ્તારના ચારસો જેટલા કાર્યકર્તાઓએ પોતાના રાજીનામા સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચી ગયા હતા. તેમણે માગણી કરી હતી કે બળવંતસિંહ ગઢવીની જગ્યાએ તેમની પાર્ટી કોઈ અન્ય સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર બનાવે. બળવંતસિંહ ગઢવી બહારના વ્યક્તિ હોવાના કારણે સ્થાનિક લોકોએ રાજીનામા સાથે વિરોધ કરવા પહોંચ્યા હતા.