ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પડઘમ વાગી ગયા છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ જાહેર કરવામાં આવેલા ઉમેદવારને લઈ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઘોડિયાની બેઠક પર કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે જેને લઈ કોંગ્રેસમાં ભડકો થઈ શકે છે.
સામુહિક રાજીનામાની ઉચ્ચારી ચીમકી
કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ અનેક બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાઘોડિયામાં કોંગ્રેસ દ્વારા સત્યજીત ગાયકવાડને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. કાર્યકરોની માગ છે કે કોઈ સ્થાનિક ક્ષત્રીય ઉમેદવાર કે પછી તત્કાલીન ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહના પુત્રને ટિકિટ આપવાની માગ કરવામાં આવી રહી છે. જો પાર્ટી દ્વારા તેમની માગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ટિકિટને લઈ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે આંતરિક વિખવાદ
ચૂંટણી નજીક આવતા અને ખાસ કરી ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ પાર્ટીમાં ચાલતા આંતરિક વિવાદ સામે આવી રહ્યા છે. અનેક કાર્યકરો નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. અનેક બેઠકો પર સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન અપાતા ભારે વિરોધ થઈ રહ્યો છે. આવી સ્થિતિ દરેક પાર્ટીમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી જતા હોય છે. જેને કારણે પાર્ટીને નુકસાન વેઠવું પડે છે.