ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે ત્યારે બીજા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસે નવો દાવ ખેલ્યો છે. મળતી માહિતી અનુસાર જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજ માંથી મુખ્યમંત્રી બનશે. ઉપરાંત ગુજરાતમાં ત્રણ ઉપ-મુખ્યમંત્રી હશે તેવું સૂત્રોનું માનવું છે.
ઠાકોર સમાજમાંથી હશે મુખ્યમંત્રી
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. ચૂંટણી પહેલા ભાજપે અને આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસે આ અંગે કોઈ જાહેરાત નથી કરી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઠાકોર સમાજમાંથી બનશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્રણ ઉપમુખ્યમંત્રી હશે જે SC,ST અને અલ્પસંખ્યક માંથી હશે. આ નિર્ણય અશોક ગેહલોત અને મલ્લિકાર્જુન ખડગેની બેઠક બાદ લેવાયો છે.
ગુજરાતમાં હશે ત્રણ ઉપમુખ્યમંત્રી!!!
બીજા તબક્કા માટેની ચૂંટણી પહેલા દરેક પાર્ટી પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ભાજપનો પ્રચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જુન ખડગે તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની રાજનીતિને લઈ કોંગ્રેસે એક નિર્ણય કર્યો છે. જો 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવામાં આવશે તેવી વિચારણા કરવામાં આવી રહી છે એવું સૂત્રોનું કહેવું છે.