વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. પ્રચાર કરી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. પ્રચાર માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરતું કોંગ્રેસમાંથી કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતના પ્રવાસે નથી આવ્યા. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગેહલોત ગુજરાતના પ્રવાસે છે.
ગુજરાત આવી રાજસ્થાનના મુખ્યમંત્રી કરશે કોંગ્રેસનો પ્રચાર
ગુજરાતમાં પોતાની સરકાર બનાવા આમ આદમી પાર્ટી અને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રચાર પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આપનો પ્રચાર અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે. તો ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને જાણે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે નથી આવ્યા. નથી તો રાહુલ ગાંધી આવ્યા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા. ત્યારે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના વફાદાર ગણાતા એવા રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 17 અને 18 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી કોંગ્રેસનો પ્રચાર કરવાના છે.
બેઠક કરી ઘડશે રણનીતિ
17 ઓક્ટોબરના રોજ ગેહલોત રાધનપુર ખાતે સાંજે સભા સંબોધવાના છે. ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે નેતાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠકો કરવાના છે. બેઠકમાં રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે. બેઠક બાદ થરાદ ખાતે રોડ શો કરી મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને જનસભામાં કોંગ્રેસનો પ્રચાર કરશે.