ગુજરાત વિધાનસભામાં હાલ સત્ર ચાલી રહ્યું છે. વિવિધ મુદ્દાઓને લઈ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. સત્ર શરૂ થયું તે પહેલા પેપર લીક મામલે કોંગ્રેસે દેખાવો કર્યો હતો. ત્યારે આજે કરાઈ એકેડેમીમાં પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા બોગસ પીએસઆઈનો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો હતો. બોગસ ટ્રેનિંગ અંગે ચર્ચા કરવામાં આવે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. જોકે આ અંગે ચર્ચા ન કરાતા કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું. જે બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.
ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા કરાઈ હતી રજૂઆત
મંત્રી ઋષિકેશ પટેલે દેખાવ કરી રહેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને દરખાસ્ત કરી હતી. ઋષિકેશ પટેલની વાતનું સમર્થન કુબેરડીંડોરએ આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહમાં જણાવ્યું કે ગૃહમાં ચર્ચા કરવાની બધાને છૂટ આપવામાં આવી છે. પેપર લીક મામલે સરકાર કાયદો લાવી છે. સાથી મિત્રોએ જે કરવું છે તે કરવા માટે ગૃહ નથી. સરકારની તાકાત છે કે સરકારે જે કરવું છે તે કરી શકે છે.
વિધાનસભા બહાર હું તમામને જવાબ આપીશ- હર્ષ સંઘવી
આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કરાઈ એકેડેમીનો મામલો ગંભીર છે. વિધાનસભા બહાર હું તમામના જવાબ આપીશ. આ ગંભીર ગુન્હાની તપાસ કેટલાય દિવસથી ચાલે છે. આ ઘટના પાછળ મોટુ રેકેટ છે. જવાબ આપવા માટે અમે તૈયાર છીએ આજે જવાબ જોઈએ તો ધારાસભ્ય મારા કાર્યાલયમાં આવે. આ બાબતે રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન ન થવો જોઈએ.
અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી પેપર લીક થાય છે. જેના માટે રાજ્ય સરકાર ગૃહમાં કાયદો લાવી. હવે એક મયુર તડવી નામનો વ્યક્તિ પરીક્ષા પાસ કર્યા વિના સીધો કરાઈ એકેડેમીમાં પીએસઆઈની તાલીમ મેળવી રહ્યો છે.