ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાનું બે દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ચૂંટણી પહેલા વિધાનસભાનું આ અંતિમ સત્ર છે. પરંતુ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. વિધાનસભામાં કોંગ્રેસનો વિરોધ વધતા વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 15 ધારાસભ્ચોને સસ્પેન્ડ કર્યા હતા.
બીજા દિવસે પણ કોંગ્રેસનો વિરોધ યથાવત
અનેક મુદ્દાઓને લઈ ગૃહમાં કોંગ્રેસ સતત વિરોધ કરી રહી છે. બે દિવસ મળનારા આ સત્રના અંતિમ દિવસે પણ કોંગ્રસે ભારે હોબાળો કર્યો છે. લમ્પી વાયરસ અંગેની ચર્ચા કરવા કોંગ્રેસે માગ કરી હતી પરંતુ તેનો અસ્વીકાર થતા હોબાળો થયો હતો. જેને લઈ કોંગ્રેસના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા.
પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસના ધારાસભ્યોએ દર્શાવ્યો વિરોધ
તે ઉપરાંત અનામતના મુદ્દાને લઈ તેમજ વધતી મોંઘવારીને લઈ
સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં OBC અનામત મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી હતી, પરંતુ આ મુદ્દા
પર અધ્યક્ષે ચર્ચા કરવાની ના પાડી હતી. જેને કારણે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લે-કાર્ડ
લઈને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત અનેક દિવસોથી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે તેનો
મુદ્દો લઈ પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
લમ્પી વાયરસને રોકવામાં સરકાર નિષ્ફળ
કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર લમ્પી વાચરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થયો હોત.
3 વિધેયકો પ્રથમ દિવસે કરાયા પાસ
ગૃહના પ્રથમ દિવસે ત્રણ વિધેયક પાસ કરવામાં આવ્યા હતા જેમાં જીએસટી સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ અને ગુજસીટોક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા હતા. પસાર થયેલા વિધેયક પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે જીએસટીમાં ટેક્સમાં વધારો તેમજ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવીને સરકારની ટીકા કરી હતી.