વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ આપ અને ભાજપ ચૂંટણી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આપ અને ભાજપ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ પદમા દાવેદાર મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.
મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતની મુલાકાતે
આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી નજીક આવતા આપે અને ભાજપે ગુજરાતમાં પ્રચાર માટે નેતાઓની ફોજ ઉતારી છે. ભાજપે કેન્દ્રીય મંત્રી મંડળને ગુજરાતમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીની પ્રચાર ખુદ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈ કોંગ્રેસ પણ સક્રિય થઈ છે. ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા મલ્લિકાર્જૂન ખડગે હાલ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે.
ગાંધી આશ્રમથી શરૂ કરી યાત્રાની શરૂઆત
ઉલ્લેખનિય છે કે મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના દાવેદાર છે. અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. મલ્લિકાર્જૂન ખડગેએ પોતાની યાત્રાની શરૂઆત ગાંધી આશ્રમની મુલાકાત લઈ કરી હતી. તેમની સાથે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ, અને કોંગ્રેસના અનેક ધારાસભ્યો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.