ગુજરાતના મોરબી ખાતે એક દિલ દુભાવી દે એવી દુ:ખદ ઘટના બની છે. ઝૂલતા પુલ તૂટી પડતા હોનારક સર્જાઈ છે. આ ઘટનામાં 130થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું છે. ગુજરાતમાં સવાર તો પડી છે પરંતુ મોરબીનો સૂરજ આક્રંદ લઈને આવ્યો છે. આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીએ પોતાનો પ્રચાર કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબરના રોજ નીકળનારી આ યાત્રા હવે 1લી નવેમ્બરના રોજ નીકળવાની છે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ કરાયો ફેરફાર
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના સમયે પાર્ટી પ્રચારમાં વ્યસ્ત બનતી હોય છે. પરંતુ મોરબીની આ ઘટનાને કારણે કોંગ્રેસે પોતાના પ્રચાર કાર્યક્રમનો મોકૂફ રાખી છે. કોંગ્રેસ દ્વારા આયોજીત આ પરિવર્તન સંકલ્પ યાત્રાને નહીં કરવાનો નિર્ણય પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. ભાજપે પણ પોતાના કાર્યક્રમને રદ્દ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પરંતુ આ ઘટનાને કારણે તેમના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.