કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચે અનેક વખત ટ્વિટર વોર ચાલતુ રહે છે. અનેક મુદ્દાઓને લઈ કોંગ્રેસ આક્રામક દેખાતી હોય છે. ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ કોંગ્રેસે પીએમ મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે જવાહરલાલ નહેરૂનો ફોટો શેર કરી એક ટ્વિટ કર્યું છે. જે ફોટો ટ્વિટ કરવામાં આવ્યો છે તેમાં પંડિત નહેરૂને શિર્ષાસન કરતા દર્શાવવામાં આવ્યા છે. કેપ્શન આપતા કોંગ્રેસે લખ્યું કે આંતરરાષ્ટીય યોગ દિવસ પર અમે પંડિત જવાહરલાલનો આભાર માનીએ છીએ. તેમણે આને લોકપ્રિય અને રાષ્ટ્રીય નીતિનો હિસ્સો બનાવ્યો.
કોંગ્રેસે યોગ દિવસને લઈ કર્યો ભાજપ પર પ્રહાર!
સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ સ્થળો પર કેન્દ્રીય મંત્રીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. પીએમ મોદી અમેરિકામાં યોગ કરવાના છે. ત્યારે યોગ દિવસને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. પીએમ મોદી પર કોંગ્રેસે પ્રહાર કર્યો છે. યોગ દિવસને લઈ કોંગ્રેસ દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીના પસંદીદા આસન - મૌનાસન, જુમલાસન, કેમરાસન, પ્રચારાસન, મોરાસન, મિત્રાસન. તે સિવાય બીજી એક પોસ્ટમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ શિર્ષાસન કરી રહ્યા છે અને બીજી બાજુ ઈન્ટરનેશનલ યોગ દિવસ લખવામાં આવ્યું હતું.
શશિ થરૂરે કરી એવી ટ્વિટ જેનાથી કોંગ્રેસ થઈ શકે છે નારાજ!
કોંગ્રેસની ટ્વિટને સંદર્ભમાં લઈ શશિ થરૂરે લખ્યું કે આપણે સરકાર સહિત એ લોકોના યોગદાનનો પણ સ્વીકાર કરવો જોઈએ જેમણે સંયુક્ત રાષ્ટ્રના માધ્મયથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આંતરરાષ્ટ્રીયકરણ કરીને યોગને પુનર્જીવિત અને લોકપ્રિય બનાવ્યો. શશિ થરૂર દ્વારા કરવામાં આવેલી ટ્વિટ એવી છે જે કોંગ્રેસને કદાચ ન પણ ગમે. મહત્વનું છે કે એવા અનેક મુદ્દાઓ છે જેને લઈ કોંગેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. મણિપુરમાં થતી હિંસાને લઈને પણ કોંગ્રેસ આક્રામક દેખાઈ રહી છે.