મણિપુરમાં હિંસા અનેક મહિનાઓથી ચાલી રહી છે. અનેક લોકોના મોત થઈ ગયા છે, અનેક લોકોના ઘર બળીને ખાખ થઈ ગયા છે. મણિપુરમાં હિંસા પહેલેથી જ ભડકેલી હતી અને આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો જેણે માનવતાને શર્મસાર કરી નાખી. એ વીડિયો ઘણા સમય પહેલાનો હતો પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે તે જાહેર જનતા સુધી પહોંચ્યો ન હતો. પરંતુ જ્યારે લોકો સુધી એ વીડિયો પહોંચ્યો ત્યારે લોકોના રૂંવાડા ઉભા થઈ ગયા હતા. લોકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો હતો.
મણિપુર મામલે પીએમ મોદીએ આપી હતી પ્રતિક્રિયા
કેન્દ્ર સરકાર અને તેમાં પણ પીએમ મોદી આ મામલે પોતાનું મૌન તોડે, કોઈ પ્રતિક્રિયા આપે ઉપરાંત પરિસ્થિતિને શાંત કરવા કોઈ પગલાં તે માટે અનેક વખત અવાજ ઉઠતા રહ્યા છે. કેન્દ્ર સરકાર સુધી આ વાત પહોંચે તે માટે દિલ્હીમાં મહિલાઓ ધરણા કરી રહી હતી, લોકો તો બુમો પાડી જ રહ્યા હતા, અનેક વખત મણિપુરમાં ભડકેલી હિંસાને શાંત કરવા ખેલાડીઓએ પીએમ મોદીને અપીલ કરી હતી. પરંતુ પીએમ મોદી દ્વારા મણિપુર મામલે કોઈ રિએક્શન અથવા સ્ટેટમેન્ટ આપવામાં ન આવ્યું હતું. પરંતુ મહિલાનો વીડિયો સામે આવ્યા બાદ ચોમાસા સત્ર પહેલા લોકશાહીના મંદિરની બહાર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી. ભલે મણિપુર વિશે ઓછું બોલ્યા હતા પરંતુ બોલ્યા તેનો લોકોને આનંદ હતો. લોકો કહી રહ્યા હતા કે આ મામલે પહેલા બોલવાની જરૂર હતી.
શક્તિસિંહ ગોહિલે અટલ બિહારીના વીડિયોને કર્યો ટ્વિટ
મણિપુરની ઘટનાને અલગ અલગ રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં એક ઘટના બની હતી ત્યારે પણ સીએમ નરેન્દ્ર મોદીએ કોઈ એક્શન લીધા ન હતા. અટલ બિહારી વાજપેયીએ મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાની સલાહ આપી હતી. રાજધર્મનું પાલન કરવા માટે તેમણે મુખ્યમંત્રીને સલાહ આપી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મણિપુર હિંસાને લઈ ટ્વિટ કરી હતી. તે ટ્વિટમાં અટલ બિહારી વાજપૈયીની એક વીડિયો ક્લીપ મૂકવામાં આવી છે જેમાં તે મુખ્યમંત્રીને રાજધર્મનું પાલન કરવાનું કહી રહ્યા છે.
ચૈતર વસાવાએ બંધ પાળવાનું કર્યું એલાન
મહત્વનું છે કે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ન માત્ર કોંગ્રેસ પરંતુ અનેક રાજકીય પાર્ટીઓએ મણિપુરની ઘટનાનો રોષ પ્રગટ કર્યો છે. મણિપુરમાં ભડકેલી આગ આખા દેશમાં ફેલાઈ રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આદિવાસી વિસ્તારોમાં બંધ પાળવાનું એલાન કર્યું છે. રવિવારના દિવસે બંધ પાળવામાં આવશે તેવી જાહેરાત ચૈતર વસાવાએ કરી છે.