ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. ત્યારે દરેક પાર્ટી એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસે મોરબી દુર્ઘટનાને યાદ કરી છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસે ટ્વિટર પર લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા.
બ્રિજ તૂટી પડતા સર્જાઈ હતી દુર્ઘટના
દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મચ્છુ નદી પર બનેલો બ્રિજ તૂટી પડ્યો હતો. ઝુલતો પૂલ તૂટી પડતા અંદાજીત 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને લઈ સ્થાનિક તંત્રનો વિરોધ થયો હતો. આ હોનારત સર્જાતા મુખ્યમંત્રી સહિતના નેતાઓ મોરબી ખાતે પહોંચી ગયા હતા. દુર્ઘટના સર્જાઈ તે વખતે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી. પરંતુ તેમની મુલાકાત પહેલા મોરબી સિવિલ હોસ્પિટલનું રંગરંગોન કરવામાં આવ્યું હતું. આને લઈ સરકારની અનેક ટીકાઓ પણ થઈ હતી.
કોંગ્રેસે આ ઘટનાને યાદ કરતા ભાજપ પર સાધ્યું નિશાન
આ ઘટનાને થોડો સમય વીતી ગયો છે. લોકો ધીરે ધીરે આ હોનારતને ભૂલી રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે કોંગ્રેસે મતદારોને આ ઘટના યાદ કરાવી છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે મતદાન કરતી વખતે આ વાતને બરાબર ધ્યાન રાખજો. કોંગ્રેસે લખ્યું કે મોરબીમાં એક બાજુ લોકો મૃત્યુ પામ્યા હતા અને સાહેબ એમના સ્વાગતની તૈયારીઓ કરાવતા હતા.