પહેલી જૂલાઈથી અનેક નવા નિયમો લાગુ કરવામાં આવશે. થોડા દિવસો પહેલા AMCના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટિકિટના ભાવમાં વધારો થશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં લેવાયા નિર્ણય બાદ ટિકિટના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. આઠ વર્ષ બાદ AMTSના બસ લઘુતમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. AMTS તેમજ BRTSના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ વાતનો વિરોધ ગુજરાત કોંગ્રેસના કોર્પોરેટર તેમજ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જમાલપુર AMTS ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.BJP બસ સર્વિસ લખેલી પ્રતિકાત્મક બસને પણ સળગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
AMTS-BRTSના ભાવ વધારા પર કોંગ્રેસનો વિરોધ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત એએમટીએસ બસ ઘણા વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. બસ સેવાને સામાન્ય લોકો માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે. ત્યારે પહેલી જુલાઈથી ટિકિટના ભાવમાં કરાયેલા વધારો લાગુ કરવામાં આવશે. 3 કિલોમીટર સુધી પહેલા 3 રુપિયા ચૂકવવા પડતા હતા તેની બદલીમાં હવે પાંચ રુપિયા ચૂકવવા પડશે. 3-5 કિલોમીટર માટે 10 રુપિયા, 5-8 કિલોમીટર માટે 15 રુપિયા, 8-14 કિલોમીટર માટે 20 રુપિયા, 14-20 કિલોમીટર માટે 25 રુપિયા તેમજ 20થી વધુ જો કિલોમીટરની મુસાફરી બસમાં કરશો તો તમારે 30 રુપિયા હવેથી ચૂકવવા પડશે. ત્યારે આ ભાવ વધારાનો વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમજ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન AMTSના ચેરમેન વિરૂદ્ધ નારા લગાવ્યા હતા ઉપરાંત BJP બસ સર્વિસ લખેલી પ્રતિકાત્મક બસને પણ સળગાવી હતી.
જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કરાશે વિરોધ!
આ વિરોધ શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો. વિરોધ દર્શાવતી વખતે વલ્લભ પટેલ ચોર હૈના નારા લગાવ્યા હતા. ઉપરાંત ભાવ વધારો પાછો ખેંચવાની માગ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યા કે આ ભાવ વધારો મળતિયા કોન્ટ્રાક્ટરને ફાયદો મળે તે માટે કરવામાં આવ્યો છે. જો ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો રસ્તા પર ઉતરી વિરોધ કરવામાં આવશે તેવું પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતાઓએ જણાવ્યું હતું. ભાવ વધારા મામલે જ્યારે ટ્રાન્સપોર્ટ મેનેજરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે નોર્મલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. મુસાફરોને સારી સુવિધા મળે તે માટે કરવામાં આવ્યો છે.